Ahmedabad News: 2036માં ઓલિમ્પિક રમતોત્સવ માટે અમદાવાદને યજમાન બનાવવાની નેમ અને નજીકના ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની હિલચાલ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રમતગમત પ્રત્યેના ઉત્સાહને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરીજનોમાં રમતગમત પ્રત્યે અભિરૂચિ કેળવાય તે હેતુસર રાણીપ વિસ્તારમાં GST રેલવે ક્રોસિંગ પર એક અત્યાધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જે હવે સ્થાનિક રહીશો માટે ખુલ્લું મુકાશે.
કરોડોના ખર્ચે વિકસેલું મલ્ટી-સ્પોર્ટ્સ હબ
ન્યૂ રાણીપમાં GST રેલવે ઓવરબ્રિજ નીચે આવેલું આ સેન્ટર રૂપિયા 2.70 કરોડના ખર્ચે 1770 ચો.મી. જગ્યામાં વિકસાવવામાં આવ્યું છે. આ સેન્ટરની મુખ્ય વિશેષતા એ છે કે તે 24 કલાક ખુલ્લું રહેશે, જેથી નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ દિવસ કે રાત્રે ગમે ત્યારે રમતગમતનો લાભ લઈ શકશે.
આ સેન્ટરમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની રમતોની સુવિધા છે. મુખ્ય આકર્ષણોમાં તાજેતરમાં લોકપ્રિય બનેલી પિકલ બોલ માટે અલગ જગ્યા અને ખાસ ડિઝાઇન કરેલું બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જ્યાં લોકો દિવસે અને રાત્રે કોઈપણ સમયે ક્રિકેટની મજા માણી શકશે.
વિવિધ રમતો અને કોચિંગની સુવિધા
બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ઉપરાંત, શહેરીજનો ટેબલ ટેનિસ, કેરમ, બાસ્કેટ બોલ, એર હોકી, ચેસ, અને પૂલ ટેબલ જેવી વિવિધ રમતોનો લાભ મેળવી શકશે. મહત્ત્વની વાત એ છે કે અહીં વિવિધ રમતો માટે કોચિંગની સુવિધા પણ ઉપલબ્ધ હશે, જે ઉભરતા ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
AMC દ્વારા આ સેન્ટરને PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે સંચાલન માટે આપવામાં આવશે. રમતગમતના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે; ઉદાહરણ તરીકે, બોક્સ ક્રિકેટ માટે 12 વ્યક્તિઓ માટે કલાકદીઠ રૂપિયા 700નો ભાવ નિર્ધારિત કરાયો છે.
રમત સાથે યોગ અને મનોરંજન
આ સેન્ટર માત્ર સ્પોર્ટ્સ એક્ટિવિટી પૂરતું સીમિત નથી. અહીં વહેલી સવારે લોકો યોગ અને સૂર્ય નમસ્કાર સહિત વિવિધ પ્રકારના યોગ કરી શકે તે માટે અલગથી આખો ભાગ ઊભો કરવામાં આવ્યો છે. નાના બાળકો માટે પણ ખાસ ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસાવવામાં આવ્યો છે, જેમાં સોકેટ શેપ મલ્ટી પ્લે સ્ટેશન, કાવલીંગ ટનલ, મેરી ગોલ્ડ પ્લેટાફોર્મ જેવા સાધનો મૂકવામાં આવ્યા છે.
આ સેન્ટરની મુલાકાત લેતા લોકો માટે અહીં વાહન પાર્કિંગની સુવિધા તેમજ ખાણીપીણીના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, થીમ બેઝ ડેકોરેટીવ સ્કલ્પચર, ઈ.પી.ડી.એમ. ફ્લોરિંગ, ડેકોરેટિવ પેઈન્ટીંગ અને આકર્ષક લાઈટીંગ તથા લેન્ડસ્કેપ ગાર્ડન અને સેટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવ્યું છે, જે આ સેન્ટરને માત્ર એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નહીં પણ એક આકર્ષક મનોરંજન સ્થળ બનાવે છે.
