Ahmedabad News: વટવા GIDCમાં મચ્છુનગર બ્રિજ તોડી નવો બનાવાશે, 6 મહિના માટે રસ્તો બંધ; જાણો વૈકલ્પિક રૂટ

વટવા જી.આઈ.ડી.સી. મચ્છુનગર બ્રિજ: રામોલ ચાર રસ્તાથી અંબિકા ત્રણ રસ્તા સુધીનો આશરે 200 મીટરનો માર્ગ અવર-જવર માટે સંપૂર્ણ બંધ રહેશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 08:33 AM (IST)Updated: Wed 31 Dec 2025 08:33 AM (IST)
ahmedabad-news-machhunagar-bridge-in-vatva-gidc-to-be-demolished-and-a-new-one-built-road-closed-for-6-months-know-alternative-route-665056

Machchunagar Bridge: અમદાવાદ શહેરના વટવા જી.આઈ.ડી.સી. (GIDC) ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. ખારીકટ કેનાલ પર મચ્છુનગર પાસે આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડી નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કયો રસ્તો ક્યાં સુધી બંધ રહેશે?

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા આશરે 23 મીટર લંબાઈનો આ બ્રિજ તોડી નવો બનાવવામાં આવશે. આ હેતુસર તા. 1/1/2026 થી તા. 30/6/2026 સુધી (6 મહિના માટે) નીચે મુજબનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે:

વટવા જી.આઈ.ડી.સી. મચ્છુનગર બ્રિજ: રામોલ ચાર રસ્તાથી અંબિકા ત્રણ રસ્તા સુધીનો આશરે 200 મીટરનો માર્ગ અવર-જવર માટે સંપૂર્ણ બંધ રહેશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ

ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે:

  • 1) GIDC ની અંદરથી આવતા વાહનો: વટવા જી.આઈ.ડી.સી. મચ્છુનગર અંદરના ભાગથી આવતો ટ્રાફિક રામોલ પોલીસ ચોકીથી હાથીજણ લાલગેબી સર્કલ થઈ ત્રિકમપુરા તરફના મુખ્ય માર્ગો પર જઈ શકશે.
  • 2) GIDC ની બહારથી અંદર આવવા માટે: વાહનચાલકો ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી જી.આઈ.ડી.સી. તરફ જતા અલગ-અલગ માર્ગોનો ઉપયોગ કરી શકશે.

બ્રિજના કામ દરમિયાન ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે માટે નાગરિકોને આ ડાયવર્ઝનનો અમલ કરવા અને પોલીસ તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

નિયમ ભંગ બદલ કાર્યવાહી

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર કાર્યવાહી કરવામાં આવશે.