Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો (International Kite Festival) શુભારંભ કરાવ્યો હતો. જે બાદ આજે પતંગ મહોત્સવમાં બૉલિવૂડ સેલેબ્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવી પહોંચતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાની મુખરજીએ 'મર્દાની 3'ના પોસ્ટરવાળો પતંગ ઉડાવ્યો
બૉલિવૂડ અભિનેત્રી રાની મુખરજી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં પોતાની આગામી એક્શન થ્રીલર ફિલ્મ 'મર્દાની 3'ના પ્રમોશન માટે પહોંચી હતી. જ્યાં રાની મુખરજીએ પોતાની ફિલ્મનો પ્રચાર કરવાની સાથે-સાથે લોકોને મકર સંક્રાંતિની શુભકામના પણ પાઠવી હતી. આ અવસરે રાની મુખરજીની સાથે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન તેમજ AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રાની મુખરજીએ રિવરફ્રન્ટ પર પોતાની ફિલ્મ 'મર્દાની 3'ના પોસ્ટ વાળો ખાસ પતંગ ચગાવ્યો હતો. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેવો 'મર્દાની 3'નો પતંગ આકાશમાં લહેરાયો, તે સાથે જ લોકોએ ચીચીયારીઓ પાડી મૂકી હતી.
ઈમરાન હાશ્મીએ અમદાવાદ હેરિટેજ થીમની પ્રશંસા કરી
આવી જ રીતે બૉલિવૂડના સીરિયલ કિસર ગણાતા અભિનેતા ઈમરાન હાશ્મી પણ આવતીકાલે રિલીઝ થઈ રહેલી પોતાની સિરીઝ 'તસ્કરી:ધ સ્મગલર્સ'ના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટિવલમાં આવ્યો હતો. ઈમરાન હાશ્મીની સાથે સિરીઝની અન્ય સ્ટાર કાસ્ટ પણ ખાસ ઉપસ્થિત રહી હતી.
આ તકે ઈમરાન હાશ્મીએ કાઈટ ફેસ્ટિવલમાં રાખવામાં આવેલી અમદાવાદ હેરિટેજ સિટીની થીમના ભરપુર વખાણ કરતા જણાવ્યું કે, હું કાઈટ ફેસ્ટિવલમાં પહેલી વાર જ આવ્યો છું, પરંતુ અહીનો માહોલ જોઈને ખૂબ જ મજા આવી. નાનપણમાં હું પણ ખૂબ પતંગ ચગાવતો હતો. હવે અહીં પણ પતંગ ઉડાડવાનો પ્રયાસ કરીશ.
