Ahmedabad: પિઝા ખાવા ગયેલા ડોક્ટરને કડવો અનુભવ; પિઝામાંથી મોટો વાળ નીકળતા AMCમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જહોન્સ પિઝામાં અનલિમિટેડ પિઝા ખાવા માટે ગયેલા ડોક્ટરના પિઝામાંથી વાળ મળ્યો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 19 Apr 2026 04:59 PM (IST)Updated: Sun, 19 Apr 2026 04:59 PM (IST)
ahmedabad-news-doctor-complaint-hair-found-pizza-william-johns-shahibaug-amc

Ahmedabad News: બહારનું જમવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. મળતી વિગતો મુજબ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જહોન્સ પિઝામાં અનલિમિટેડ પિઝા ખાવા માટે ગયેલા ડોક્ટરને ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. ડોક્ટરે પહેલો પિઝાનો કોળિયો લેતા જ તેમાંથી વાળ મળી આવતા હોબાળો મચી ગયો હતો. જેને પગલે ડોક્ટરે રેસ્ટોરન્ટના સંચાલકો સમક્ષશ રોષ વ્યક્ત કરતા એએમસીમાં લેખિત ફરિયાદ કરી છે.

પિઝામાંથી વાળ નીકળ્યો

મળતી વિગતો મુજબ અમદાવાદના શાહીબાગમાં રહેતા ડો. ધ્રુવ પટેલ પોતાના મિત્ર સાથે વિલિયમ જહોન્સ પિઝામાં પિઝાનો આનંદ માણવા ગયા હતા. અનલિમિટેડ પિઝાનો આનંદ માણતા તેમણે સલાડ ખાઈને પિઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યાં પહેલા માર્ગેરીટા પિઝા ટેબલ પર આવતા તેમણે પહેલો કોળિયો લીધો હતો. પરંતુ પિઝામાંથી વાળ નીકળતા ડોક્ટરે તાત્કાલિક સંચાલકોને જાણ કરી હતી.

મેનેજરે સંતોષકારક ઉત્તર ન આપ્યો

પિઝા ખાવા ગયેલા ડોક્ટરના પિઝામાંથી વાળ મળી આવતા તેમણે કર્મચારીઓને ફરિયાદ કરી હતી. ત્યારે તેઓએ માત્ર પિઝા બદલી આપવાની વાત કહી હતી. તેવો આક્ષેપ ડોક્ટરે લગાવ્યો હતો. જ્યારે ડોકટરે આ બાબતે મેનેજરને વાત કરવા માંગ કરી ત્યારે કર્મચારીઓ અને મેનેજરે યોગ્ય પ્રતિસાદ આપ્યો ન હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જેથી નારાજ ડોક્ટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

ફ્રેન્ચાઈઝીના માલિકે શું કહ્યું?

આ ઘટનામાં વિલિયમ જહોન્સ પિઝાના ફ્રેન્ચાઈઝીના માલિક અભયભાઈના જણાવ્યા મુજબ, પિઝા બનાવતી વખતે ભૂલથી વાળ આવ્યો હોઈ શકે છે. ફરીવાર વાળ ન આવે તે બાબતે અમે પૂરુ ધ્યાન રાખીશું.