Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઓગણજ ખાતે નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, ગુજરાત (NAREDCO) દ્વારા આયોજિત પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદ-ગાંધીનગરના 40થી વધુ રિયલ એસ્ટેટ ગ્રૂપ જોડાયા છે.
કૉમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની અમદાવાદ-ગુજરાતને મળી છે, ત્યારે આવાં આયોજનો રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમાંતર માળખાગત વિકાસનાં નવાં આયામો સર્જશે. ખાસ કરીને, ગુજરાતમાં ગિફ્ટ સિટી, ધોલેરા SIR અને મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટ્સને કારણે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. ત્યારે 'વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ મહત્ત્વનું સાબિત થશે.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ પ્રોપર્ટી ફેસ્ટમાં વિવિધ રિયલ એસ્ટેટ ગ્રૂપના સ્ટોલ્સની મુલાકાત લઈ, આધુનિક બાંધકામ અને શહેરી વિકાસના પ્રોજેક્ટ્સની ઝીણવટભરી માહિતી પણ મેળવી હતી. NAREDCO ગુજરાત દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય પ્રોપર્ટી ફેસ્ટનો 19 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે અને 41જેટલા રિયલ એસ્ટેટ ગ્રૂપ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા છે.
આ ત્રણ દિવસ દરમિયાન રોકાણકારો, ઘર ખરીદનારાઓ અને પ્રોપર્ટીમાં રસ ધરાવનારા અનેક લોકોએ આ ફેસ્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે NAREDCO ગુજરાતના ચેરમેન સુરેશ પટેલ, પ્રેસિડેન્ટ યોગેશ ભાવસાર, સેક્રેટરી દીપક પટેલ સહિતના હોદ્દેદારો તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને મુલાકાતીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
