Ahmedabad News: વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી સ્થિતિ છે. ભાજપ તરફથી સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત મેદાને છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેના પગલે પક્ષ નારાજ થયો છે અને દંડાત્મક કાર્યવાહી કરી છે. આજે ભાજપ દ્વારા માવજી પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના પાંચ નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છેકે, બનાસકાંઠા જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા પાંચ સભ્યોને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સૂચનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા જે પાંચ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં માવજી પટેલ( ડિરેક્ટર, બનાસ બેન્ક), લાલજી હમીરભાઈ ચૌધરી(પટેલ) ( પૂર્વ ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ), દેવજી પ્રેમાભાઈ પટેલ ( પૂર્વ ચેરમેન, જિ.ખ.વે.સંઘ, ડિરેક્ટર જિ.ખ.વે.સંઘ), દલરામ નાગજીભાઈ પટેલ ( ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ) અને જામાભાઈ ભુરાભાઈ પટેલ( પૂર્વ મહામંત્રી, સુઇગામ તાલુકો)ને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
