Ahmedabad News: અમદાવાદ શહેરમાં સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતા અને જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક પગલા ભરવામાં આવી રહ્યાં છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 52 જેટલા એકમો તપાસવામાં આવ્યા હતા. જેમાં નિયમોના ઉલ્લંઘન બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બોડકદેવમાં ટી પોસ્ટ અને સબ-વે કાફે સહિતના એકમોને સીલ માર્યા હતા.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા ધંધાકીય એકમો, તેમજ શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ ઉત્પાદન કરતા તથા ધંધાકિય એકમમાં કચરાપેટી ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી કરતા એકમોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સનું ઉલ્લંઘન કરતા એકમો, ઇસમો વિરુદ્ધ જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ સઘન અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે આજે 28 જુલાઈના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 52 જેટલા એકમો તપાસવામાં આવ્યા હતા. જેમાં 33 એકમોને નોટીસ ફટકારવામાં આવી હતી. 5.5 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી 54,500 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
| વોર્ડ | સીલ કરેલા એકમો |
| બોડદેવ | ટી - પોસ્ટ , પકવાન ચાર રસ્તા પાસે , બોડકદેવ |
| બોડકદેવ | સબ - વે કાફે , જ્જીસ બંગલો રોડ , બોડકદેવ |
| બોડકદેવ | ધ સ્નેક મેકર , કોર્પોરેટ હાઉસ , બોડકદેવ |
| થલતેજ | કંજરી , સુર્યા કોમ્પલેક્ષ , ગુરૂકુલ રોડ , થલતેજ |
| થલતેજ | VIP લગેજ ગુરૂકુલ રોડ , થલતેજ |
