અમદાવાદના નરોડા વિસ્તારમાં યુવતી પર એસિડ એટેક: પતિ જ નીકળ્યો હુમલાખોર, પોલીસે કરી ધરપકડ

યુવતી આવતા જ બાઇક ચાલકે તેના પર એસિડ જેવો પદાર્થ ફેંકી હુમલો કર્યો અને ફરાર થઈ ગયો હતો. હુમલાના કારણે યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 28 Mar 2026 01:04 PM (IST)Updated: Sat, 28 Mar 2026 03:39 PM (IST)
ahmedabad-news-acid-attack-on-young-women-in-naroda-area-father-suspected

Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં યુવતી પર થયેલા એસિડ હુમલાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. આ ચોંકાવનારી ઘટનામાં પત્નીના 'મર્દાનગી' અંગેના મ્હેણાંટોણાંથી કંટાળીને ખુદ પતિએ જ આ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, હુમલો કર્યા બાદ આરોપી પતિ પત્નીની ઈજા જાણવા સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, નરોડાના ગેલેક્સી ચાર રસ્તા નજીક આવેલી સોસાયટીમાં રહેતી એક યુવતી નોકરી પરથી પરત ફરી રહી હતી ત્યારે બાઈક પર આવેલા એક અજાણ્યા શખ્સે તેના પર જ્વલનશીલ પ્રવાહી (એસિડ) ફેંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવતી ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. યુવતીએ મોં પર દુપટ્ટો અને ચશ્મા પહેર્યા હોવા છતાં તેના હોઠ અને આંખની આસપાસના ભાગે ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પીઆઈ દીપક ઢોલાએ જણાવ્યું કે, ભોગ બનનાર યુવતીની પૂછપરછ અને આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં યુવતીએ તેના પિતા પર શંકા વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજ ચકાસતા એક બાઈકચાલક શંકાસ્પદ રીતે દેખાયો હતો. આ બાઈકચાલકની ઓળખ યુવતીના પતિ તરીકે થતાં પોલીસે તેની અટકાયત કરી હતી. આઘાતજનક બાબત તો એ હતી કે, પત્ની પર એસિડ ફેંક્યા બાદ આરોપી પતિ પોતે જ તેની ઇજાની ગંભીરતા જાણવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપી પતિએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે તેણે ભોગ બનનાર યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા છ મહિનાથી તેઓ અલગ રહેતા હતા. પત્ની વારંવાર તેની 'મર્દાનગી' અંગે મ્હેણાંટોણાં મારતી હતી, જેના કારણે તે અપમાનિત અને ગુસ્સે ભરાયો હતો. આ અપમાનનો બદલો લેવા અને પત્નીને 'પાઠ ભણાવવા' માટે તેણે આ એસિડ હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. આરોપી કાર્ગો સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ જ આરોપી પતિ પર બે મહિના અગાઉ પણ એસિડ હુમલો થયો હતો, જેમાં તેને મોઢા પર ઈજા પહોંચી હતી. જોકે, વર્તમાન હુમલા સાથે તે ઘટનાનો સીધો સંબંધ છે કે કેમ તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે. પીડિતાની માતાએ પણ ભાવુક થઈને જણાવ્યું હતું કે, “મારી છોકરી નોકરીથી આવતી હતી અને બે બાઈકચાલકોએ તેના પર શું નાખ્યું ને મારી છોકરી બળી ગઈ.” હાલમાં આરોપી પતિની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.