Ahmedabad News: અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આજથી બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં કેટલાક લોકોએ જાહેર રસ્તો બંધ કરીને ફટાકડા ફોડીને બીજા લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ બાબતનો વીડિયો વાયરલ થતાં પોલીસે 2 જણાં વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક લોકો જાહેર રસ્તાને બ્લોક કરીને ફટાકડા ફોડી રહ્યાં છે. કેટલાક લોકો હાથમાં ફટાકડા ફોડીને આસપાસના લોકોના જીવ જોખમમાં મૂકી ભયનું વાતાવરણ ઉભી કરી રહ્યાં છે. આ બાબતનો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ આરંભી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે તપાસ કરતાં રખિયાલ મહાગુજરાત બેકરી પાસે રસ્તો બ્લોક કરીને લોકો ફટાકડા ફોડી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતુ. જેના આધારે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, અહીંની પંડિતજીની ચાલીમાં રહેતી અક્સા નામની યુવતીના નિકાહ માટે બહેરામપુરાથી બારાત આવી હતી. આ બારાત મહાગુજરાત બેકરી પહોંચી, ત્યારે બારાતમાં રહેલા કેટલાક શખ્સોએ સ્થાનિકોના જીવ જોખમાય તે રીતે આતશબાજી કરી હતી.
હાલ તો પોલીસે આ મામલે ફટાકડા ફોડતા કરીમખાન પઠાણ (રહે. ફતેહવાડી) અને અશ્ફાક સિપાઈ (રહે. બહેરામપુરા) વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા સહિત ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.