Ahmedabad News: જમાલપુર વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઘરકામ કરીને ગુજરાન ચલાવતી એક માતા પોતાની 12 વર્ષની દીકરીને મદરેસામાંથી લેવા ગઈ હતી, ત્યારે એક અજાણ્યા એક્સેસ ચાલક યુવકે જાહેરમાં તેની છેડતી કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને મદરેસાના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
આ ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી મહિલા જમાલપુર ખાતે પરિવાર સાથે રહે છે અને તેમની દીકરી નવી મસ્જિદ પાસેના મદરેસામાં કુરાન પઢવા જાય છે. ગત 11 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે 8 વાગ્યાની આસપાસ મહિલા પોતાની એક્ટિવા પર મદરેસાની બહાર દીકરીની રાહ જોઈને ઊભી હતી.
આ સમયે, મરૂન કલરની એક્સેસ ટુ વ્હીલર પર સવાર એક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો. આ શખ્સે આવતાની સાથે જ મહિલાના હીપના ભાગે હાથ લગાવીને મદરેસા કેટલા વાગે છૂટે છે? તેમ પૂછ્યું હતું. મહિલાએ તુરંત જ વિરોધ દર્શાવ્યો, જેથી તે યુવક થોડીવાર માટે પોતાની એક્સેસ પાર્ક કરીને બેસી ગયો હતો.
જોકે, થોડી જ મિનિટોમાં આ ગુંડા પ્રકૃતિનો ઈસમ ફરીથી હિંમત કરીને મહિલાની પાસે આવ્યો અને પાછળથી મહિલાના હીપના ભાગે જોરથી થપાટ મારીને તરત જ પોતાની એક્સેસ તેજ ગતિએ વસંત રજબ સ્કૂલ તરફ ભગાવીને ફરાર થઈ ગયો હતો. રસ્તા વચ્ચે અને એકદમ અચાનક બનેલી આ ઘટનાથી મહિલા ગભરાઈ ગઈ હતી અને તે સમયે બૂમાબૂમ કરી શકી નહોતી.
ઘરે પહોંચ્યા બાદ પીડિતાએ પોતાના પતિને સમગ્ર ઘટનાની જાણ કરી. મહિલાના પતિએ તાત્કાલિક મદરેસાના મૌલાનાનો સંપર્ક કર્યો અને તપાસ કરતાં મદરેસાના સીસીટીવી ફૂટેજમાં છેડતી કરનાર યુવકનો ચહેરો સ્પષ્ટ કેદ થયેલો માલૂમ પડ્યો હતો. આ ફૂટેજ એક મહત્ત્વનો પુરાવો બન્યો છે.
પીડિતાએ તેમના પતિ સાથે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચીને અજાણ્યા મરૂન એક્સેસ ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને મદરેસાના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે આરોપી યુવકને ઓળખીને વહેલી તકે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
