અમદાવાદ: રૂ. 197 કરોડના મેટ્રો પ્રોજેક્ટનું ટેન્ડર જાહેર, ગ્યાસપુરમાં અત્યાધુનિક ડેપો બનાવવાની તૈયારી

અમદાવાદના ગ્યાસપુરમાં રૂ. 197.14 કરોડના ખર્ચે અત્યાધુનિક મેટ્રો ડેપો અને ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર બનશે. GMRCએ ટેન્ડર બહાર પાડ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 28 Oct 2026 11:05 AM (IST)Updated: Wed, 28 Oct 2026 11:05 AM (IST)
ahmedabad-metro-rail-gyaspur-depot-project-197-crore-tender-2026

Ahmedabad Metro News: અમદાવાદ શહેરમાં મેટ્રો રેલના માળખાકીય વિકાસને વધારે ઝડપી અને મજબૂત બનાવવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના ગ્યાસપુર વિસ્તાર ખાતે અંદાજે રુ.197.14 કરોડના ખર્ચે નવો અત્યાધુનિક મેટ્રો રેલ ડેપો તૈયાર કરવામાં આવશે, આ પ્રોજેક્ટ સાકાર થવાથી અમદાવાદ મેટ્રોના સંચાલન, જાળવણી અને સુચારુ વ્યવસ્થાને નવી દિશા મળશે.

અત્યાધુનિક ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર

ગ્યાસપુર ખાતે આકાર પામનારા આ નવા ડેપોમાં માત્ર મેટ્રો ટ્રેનનું પાર્કિંગ જ નહીં, પરંતુ મેટ્રોના સમગ્ર સંચાલન અને દેખરેખ માટે એક અત્યાધુનિક ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર પણ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ ડેપો અને કંટ્રોલ સેન્ટર માટેના પ્રાથમિક માળખાકીય બાંધકામ સિવાય મેટ્રોના ટેક્નિકલ સંચાલન અને જરૂરી તમામ વીજળી અને મશીનરી સંબંધિત સેટઅપની કામગીરી કરવામાં આવશે,

ટેન્ડર પ્રક્રિયા ક્યારે કરાશે?

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ સમગ્ર કામગીરી માટે અધિકૃત ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ મળ્યાથી 24 માસમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમજ પ્રોજેક્ટ માટે ટેન્ડર સમબિટ કરવાની છેલ્લી તા.20 નવેમ્બર 2026 નિર્ધારિત કરાઈ છે. ટેન્ડરની ટેકનિકલ વિગતો અંગે ચર્ચા કરવા માટે 4 નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રી બિડ મીટીંગ યોજવામાં આવશે,

રસ ધરાવતા તમામ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ એન-પ્રોક્યુર પોર્ટલ પરથી ટેન્ડર સંબંધિત જરૂરી દસ્તાવેજો મેળવીને અરજી કરી શકશે. ગ્યાસપુર ખાતે આ સુવિધા ઊભી થવાથી અમદાવાદ મેટ્રો સર્વિસની કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થશે.