Ahmedabad: એમેઝોન પર સસ્તામાં સોનાના સિક્કાની લાલચ ભારે પડી, જમાલપુરના યુવક, પરિવાર અને મિત્રના રૂપિયા 12.60 લાખના 36 ગોલ્ડ કોઈન બેંગ્લોરમાં બારોબાર ડિલિવર

ટ્રેકિંગ આઈડી ચેક કરવામાં આવ્યું ત્યારે ઓર્ડર બુકિંગના એક મહિના પહેલાં જ ગોલ્ડ કોઈન બેંગ્લોરમાં ડિલિવર થઈ ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 17 Oct 2025 01:39 PM (IST)Updated: Fri, 17 Oct 2025 01:39 PM (IST)
ahmedabad-man-gets-36-gold-coins-worth-rupee-12-6-lakh-delivered-via-amazon-to-bangalore
HIGHLIGHTS
  • જમાલપુરમાં રહેતા ફિરોજ ટાટાવાલાને થોડા સમય પહેલાં જ એમેઝોન કંપની તરફથી ICICIનું ક્રેડિટ કાર્ડ મળ્યું હતું.
  • બીજા દિવસે ગોલ્ડ કોઈન ન આવતા ફિરોજે જ્યારે મોબાઇલમાં ટ્રેકિંગ આઈડી ચેક કર્યું, ત્યારે ડિલિવરી બેંગ્લોર ખાતે થઈ ગઈ હોવાનું બતાવ્યું હતું.

Ahmedabad News: ઓનલાઇન શોપિંગના યુગમાં હવે છેતરપિંડીના બનાવો પણ સતત વધી રહ્યા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા એક યુવક અને તેના પરિવાર તેમજ મિત્ર સાથે એમેઝોન એપ્લિકેશન પર સસ્તામાં ગોલ્ડ કોઈન ખરીદવાની લાલચમાં રૂપિયા 12.60 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ તમામ લોકોએ મળીને કુલ 36 ગોલ્ડ કોઈનની ખરીદી કરી હતી, પરંતુ તેની ડિલિવરી તેમને મળી ન હતી. જ્યારે ટ્રેકિંગ આઈડી ચેક કરવામાં આવ્યું ત્યારે ઓર્ડર બુકિંગના એક મહિના પહેલાં જ ગોલ્ડ કોઈન બેંગ્લોરમાં ડિલિવર થઈ ગયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ અંગે યુવકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જમાલપુરમાં રહેતા ફિરોજ ટાટાવાલાને થોડા સમય પહેલાં જ એમેઝોન કંપની તરફથી ICICIનું ક્રેડિટ કાર્ડ મળ્યું હતું. ગત 25 માર્ચના રોજ, ફિરોજે એમેઝોન એપ પર 'સુપર સાયલીયમ' પેઢીની 'વેજ જવેલર્સ'ની એક જાહેરાત જોઈ. આ જાહેરાતમાં 5 ગ્રામનો એક સોનાનો સિક્કો માત્ર રૂપિયા 35,000માં વેચવામાં આવતો હતો, જ્યારે તેનો બજાર ભાવ રૂપિયા 45,000 હતો. એટલે કે બજાર કરતાં રૂપિયા 10,000 ઓછા ભાવે ગોલ્ડ કોઈન મળતા હતા.

આ સસ્તી ઓફર જોઈને ફિરોજે સૌપ્રથમ રૂપિયા 3.50 લાખના 10 ગોલ્ડ કોઈન એમેઝોન પરથી ખરીદ્યા. તેને ઓર્ડર નંબર અને બિલ પણ મળ્યું, અને બીજા દિવસે ડિલિવરી થશે તેવો મેસેજ પણ આવ્યો. જોકે, બીજા દિવસે ગોલ્ડ કોઈન ન આવતા ફિરોજે જ્યારે મોબાઇલમાં ટ્રેકિંગ આઈડી ચેક કર્યું, ત્યારે ડિલિવરી બેંગ્લોર ખાતે થઈ ગઈ હોવાનું બતાવ્યું હતું. તેણે તરત જ એમેઝોનના કસ્ટમર કેર પર ફોન કરીને ઓર્ડર કેન્સલ કરવા અને રૂપિયા પરત માંગ્યા, પરંતુ ત્યાંથી તેને યોગ્ય જવાબ મળ્યો ન હતો.

ફિરોજ ટાટાવાલાના જણાવ્યા મુજબ, માત્ર તેણે જ નહીં, પરંતુ તેના પરિવારના સભ્યો અને મિત્રએ પણ આ લાલચમાં આવીને ખરીદી કરી હતી. ફિરોજની પત્નીએ પણ ક્રેડિટ કાર્ડથી રૂપિયા 70,000ના બે ગોલ્ડ કોઈન ખરીદ્યા હતા, જેમાં પણ ખોટો ટ્રેકિંગ રિપોર્ટ આવ્યો હતો. આ ઉપરાંત, ફિરોજના મિત્રે રૂપિયા 4.90 લાખની કિંમતના 14 ગોલ્ડ કોઈન અને તેમના પિતાએ પણ રૂપિયા 3.50 લાખની કિંમતના 10 ગોલ્ડ કોઈનની ખરીદી કરી હતી. આમ, કુલ મળીને યુવક, પરિવાર અને મિત્રએ રૂપિયા 12.60 લાખના કુલ 36 ગોલ્ડ કોઈનની ખરીદી કરી હતી, પરંતુ કોઈને પણ ડિલિવરી મળી ન હતી અને બધાના ટ્રેકિંગ આઈડીમાં બેંગ્લોરમાં ડિલિવરી થઈ ગયાના ખોટા રિપોર્ટ આવ્યા હતા. આ સમગ્ર છેતરપિંડીના મામલે ફિરોજ ટાટાવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.