Kankaria Lake Boating Reopens: વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલ બોટ દુર્ઘટના બાદ ગુજરાત સરકારની નવી બોટિંગ પોલિસી તેમજ SOP નો કડક અમલ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સિટી વોટરસાઈડ સેફ્ટી કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. કમિટી અને સંબંધિત સત્તામંડળોની ચકાસણી પૂર્ણ થતાં અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે મુલાકાતીઓ માટે બોટિંગ સેવા ફરી શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
ક્યારથી શરૂ થશે બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ?
ગત 31 ઓક્ટોબરના રોજ મળેલી સિટી વોટરસાઈડ સેફ્ટી કમિટીની મહત્વની બેઠકમાં બોટિંગ સુરક્ષા અને સલામતી માટે કરવામાં આવેલ તમામ કામગીરીની વિગતવાર માહિતી સમીક્ષા અર્થે રજૂ કર્યા બાદ કમિટીએ સર્વાનુમતે સંતોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ એજન્સીને 3 નવેમ્બરથી બોટિંગ પ્રવૃત્તિઓ તેમજ અન્ય વોટર સ્પોર્ટ્સ ફરી શરૂ કરવા મંજૂરી આપી છે.
રાજ્ય સરકારની પોલીસી અને SOP મુજબ કાંકરિયા તળાવ ખાતે ચાલતી બોટિંગ માટે જુદી-જુદી સંસ્થાની પરવાનગીઓ, ફિટનેસ સર્ટિફિકેટ તેમજ વીમા પોલિસીની આકસ્મિક ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત NCC નેવી વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર રૂબરૂ તપાસ કરી સુરક્ષા કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સુરક્ષા-સલામતીની વિશેષ વ્યવસ્થા (Safety Protocols)
કાંકરિયા ખાતે બોટિંગ કરવા આવનાર મુલાકાતીઓની સુરક્ષા માટે અદ્યતન સેફટી વ્યવસ્થા કરવામાં આવી છે.
- ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC): 360 ડિગ્રી વ્યુઝ ગ્લાસ સાથે સુસજ્જ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
- CCTV અને મોનિટરિંગ: કેમેરાનું ફાયર વિભાગના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા 24/7 નિરીક્ષણ કરવામાં આવશે.
- મેડિકલ ફેસિલીટી: 24x7 કલાક માટે સ્થળ પર એમ્બ્યુલન્સ સેવા અને તબીબી સુવિધા ઉપલબ્ધ રહેશે.
- લાઈફ જેકેટ ફરજિયાત: મુલાકાતીઓની સુરક્ષા માટે 350 થી વધુ અદ્યતન લાઈફ જેકેટ ઉપલબ્ધ કરાવાયા છે. લાઈફ જેકેટ પહેર્યા સિવાય બોટિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- સંચાર વ્યવસ્થા: સ્ટાફ વચ્ચે તાત્કાલિક સંચાર માટે વોકી-ટોકી અને પબ્લિક એનાઉન્સમેન્ટ સીસ્ટમ કાર્યરત કરાઈ છે.
બોટિંગ અને વોટર સ્પોર્ટ્સના નવા ટિકિટ દર
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ બોટિંગ પ્રવૃત્તિઓ માટે GST સાથે નવા દર જાહેર કરવામાં આવ્યા છે.
| બોટિંગ પ્રવૃત્તિનું નામ | ટિકિટ દર પ્રતિ વ્યક્તિ (GST સાથે) |
|---|---|
| સ્પીડ બોટ (Speed Boat) | ₹160 |
| પોન્ટૂન બોટ (Pontoon Boat) | ₹160 |
| શિકારા બોટ (Shikara) | ₹150 |
| જીપ્સી બોટ (Gypsy) | ₹150 |
| પેડલ બોટ (Pedal Boat) | ₹60 |
| ફ્લોટિંગ કેફે (Floating Café) | ₹260 (બાળકો) અને ₹300 (મોટા) |
આગામી દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન કાંકરિયા તળાવ ખાતે આવનાર તમામ મુલાકાતીઓ આ સુસજ્જ અને સુરક્ષિત બોટિંગનો આનંદ માણી શકશે, જે અંગે તમામ શહેરીજનોને સેફટી નિયમોનું ચુસ્ત પાલન કરવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિનંતી કરવામાં આવી છે.
