Ahmedabad: કાંકરિયામાં દોડશે નવી સ્વદેશી ટોય ટ્રેન 'અટલ એક્સપ્રેસ', બંને ટ્રેનોનું ટ્રાયલ સફળ

પોલીસ વેરિફિકેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ થતાં જ દિવાળી દરમિયાન નવી સ્વદેશી ટોય ટ્રેનો શહેરીજનોને સમર્પિત કરાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 09:42 PM (IST)Updated: Thu, 05 Nov 2026 09:42 PM (IST)
ahmedabad-kankaria-lake-atal-express-indigenous-toy-train-diwali-launch

Ahmedabad Kankaria Lake: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસલક્ષી મુદ્દાઓની થયેલી ચર્ચા અને લેવાયેલા નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે માહિતી આપી હતી. જેમાં કાંકરિયા તળાવની અટલ એક્સપ્રેસ ટોય ટ્રેન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. કાંકરિયા તળાવ ખાતે ટૂંક સમયમાં સ્વદેશી ટોય ટ્રેન શહેરીજનોની સેવામાં શરૂ કરવામાં આવશે.

AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે, અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે વર્ષ 2008માં શરૂ કરાયેલી 'અટલ એક્સપ્રેસ' ટોય ટ્રેન શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે, જે તે સમયે રૂ. 8 કરોડના ખર્ચે વિદેશથી આયાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઈન ઈન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા AMC દ્વારા હવે સંપૂર્ણ સ્વદેશી ટોય ટ્રેનો સેવામાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉની એક વિદેશી ટોય ટ્રેન 8 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી, જ્યારે નવી સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત 2 ટ્રેનો માત્ર રૂ. 3.59 કરોડના ખર્ચે ખરીદવામાં આવી છે. આ બંને સ્વદેશી ટ્રેનનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હાલ પોલીસ વેરિફિકેશન સહિતની જરૂરી પ્રક્રિયા ચાલુ છે, અને તે પૂર્ણ થતાં જ દિવાળીના તહેવારો દરમિયાન આ સ્વદેશી ટોય ટ્રેનો શહેરીજનોની સેવામાં સમર્પિત કરવામાં આવશે.