દિવાળીમાં ટ્રેન પ્રવાસીઓ માટે ખુશખબર! અમદાવાદ કાલુપુર સ્ટેશને 27 ઓક્ટોબરે CRS નિરીક્ષણ બાદ 4 નવા પ્લેટફોર્મ ખોલાશે

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર દિવાળીની ભીડને નિયંત્રિત કરવા માટે 8, 10, 11 અને 12 નંબરના નવા પ્લેટફોર્મ ટૂંક સમયમાં શરૂ થશે. 27 ઓક્ટોબરે CRS નિરીક્ષણ બાદ આ પ્લેટફોર્મ પરથી ટ્રેન વ્યવહાર શરૂ થશે, જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને રિડેવલપમેન્ટનો ભાગ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 08:03 AM (IST)Updated: Sat, 24 Oct 2026 08:03 AM (IST)
ahmedabad-kalupur-station-4-new-platforms-open-for-diwali-rush

Ahmedabad News: હાલ દિવાળી તહેવાર આવવાનો છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં ફરવા જવાં માટે નીકળે છે. ત્યારે લોકોની ભીડને ધ્યાને રાખીને અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર પેસેન્જરોની ભીડને નિયંત્રિત કરવા માટે મોટો નિર્ણય લેવાયો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને રેલ્વે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરીના કારણે લાંબા સમયથી બંધ રખાયેલા પ્લેટફોર્મ નંબર 8,10,11 અને 12 દિવાળી પહેલાં ફરી શરુ થવાની શકયતાઓ છે. આ નવા પ્લેટફોર્મ શરુ થતાં તહેવારોના લીધે લોકોની ભીડને નિયંત્રિત કરી શકાશે,

ટ્રેક અને સિગ્નલ સિસ્ટમનું ચેકિંગ શરુ

નવા પ્લેટફોર્મ પરથી ટ્રેન વ્યવહાર પુન: શરુ કરતા પહેલા પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેક, ઓવરહેડ વાયરિંગ અને સિગ્નલ સિસ્ટમનું સઘન ચેકિંગ શરુ કરી દેવાયું છે. આગામી 27 ઓક્ટોબરના રોજ કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી દ્વારા આ કામગીરીનું આખરી નિરીક્ષણ કરવામાં આવશ. સીઆરએસ તરફથી લીલી ઝંડી અને મંજૂરી મળ્યા બાદ જ આ પ્લેટફોર્મ પરથી ટ્રેનો દોડાવવાનો માર્ગ મોકળો થશે.

મીટરગેજમાંથી બ્રોડગેજમાં રુપાંતર

રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણ અને બુલેટ ટ્રેન કનેક્ટિવિટી હેઠળ પ્લેટફોર્મ નંબર 10,11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રુપાંતરિત કરવામાં આવ્યા છે. અગાઉ આ પ્લેટફોર્મ એપ્રિલ મહિનામાં શરુ કરવાની જાહેરાત થઈ હતી. જે પાછળથી લંબાવીને ઓગસ્ટ કરવામાં આવી હતી. ટેક્નિકલ કારણોસર થયેલા વિલંબ બાદ હવે તહેવારોની ભીડને ધ્યાને રાખીને દિવાળી પહેલાં જ તેને કોઈપણ ભોગે શરૂ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ નંબર 9 પર રહેલો બ્લોક પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.

પ્લેટફોર્મ 4થી 7 પર લેવાશે નવો બ્લોક

નવા ચારેય પ્લેટફોર્મ (9થી 12) શરૂ થઈ જતાં રેલવે પ્રશાસન માટે ટ્રેનોનું સંચાલન સરળ બની જશે. ત્યારબાદ આગામી ચરણમાં પ્લેટફોર્મ નંબર 4થી 7 પર નવો કામગીરી બ્લોક લેવામાં આવશે. નવા પ્લેટફોર્મ ઉપલબ્ધ થવાને કારણે ટ્રેનોના સમયપત્રક અને સંચાલનમાં જરૂરી ફેરફાર કરીને જૂના પ્લેટફોર્મ પર રિડેવલપમેન્ટનું કામ ઝડપથી આગળ વધારી શકાશે.