Ahmedabad Neuroscience Institute: અમદાવાદ ખાતે રુ. 223 કરોડના ખર્ચે આકાર લેનાર અત્યાધુનિક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ખાતમુહૂર્ત સહિત રાજ્યના ખૂણે-ખૂણા સુધી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે રુ. 500 કરોડથી પણ વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના શુભારંભ થકી 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ'ની ભાવના સાર્થક થઈ છે. તેમણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 25 વર્ષમાં એફોર્ડેબલ હેલ્થ કેર સિસ્ટમ થકી આરોગ્ય ક્ષેત્રે આવેલ ટ્રાફોર્મેશન અંગે સૌને માહિતગાર કર્યાં હતા.
મુખ્યમંત્રીએ આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલ આરોગ્ય સંસ્થાઓના શુભારંભ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોને આરોગ્ય સેવા માટે દૂર સુધી જવું ન પડે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. તેમણે છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડી, વિકસિત ભારત માટે સ્વસ્થ અને સશક્ત ગુજરાતથી વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
