Ahmedabad: GNLUમાં દુષ્કર્મ મુદ્દે સીલબંધ રિપોર્ટ વાંચી IHCએ એડવોકેટ જનરલને ખખડાવ્યા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 29 Feb 2024 10:17 AM (IST)Updated: Thu, 29 Feb 2024 10:29 AM (IST)
ahmedabad-ihc-reprimands-advocate-general-after-reading-sealed-report-on-gnlu-malpractices

Ahmedabad News: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(GNLU)માં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીના બે અલગ-અલગ બનાવોને લઈ દાખલ થયેલી સુઓમોટો પિટિશનની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટે ફેક્ટ ફાઈન્ડીંગ કમીટી(સત્યશોધક સમિતિ)ના રિપોર્ટને જોઈ ચોંકી ઉઠી હતી. અગાઉ GNLU દ્વારા સંસ્થામાં આવી કોઈ ઘટના ઘટી નહીં હોવાનો બચાવ કર્યો હતો. જેને લઈને ચીફ જસ્ટિસની ખંડપીઠે GNLU અને રાજ્યના એડ્વોકેટ જનરલને ફટકાર લગાવી હતી અને તેનો ઉધડો લેતાં ગંભીર ટકોર કરી હતી કે, લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સુરક્ષિતના હોય અને અવાજ પણ ના ઉઠાવી શકે એ સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક છે.

જો લો સ્ટુડન્ટ્સનો અવાજ જ દબાવવામાં આવશે તો પછી દેશમાં કોણ બોલશે? લો કોલેજમાં આ સ્થિતિ પ્રવર્તે છે તો આપણે કોઈને મોંઢુ નહી બતાવી શકીએ અને બધા લેક્ચર, સેમીનાર, વાર્તાલાપ બધુ વ્યર્થ ગયું, તેનો કોઇ અર્થ નથી. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના બનાવોની તપાસ માટે હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ હર્ષા દેવાણીના ચેરમેનપદે રચાયેલી ફેક્ટ ફાઈન્ડીંગ કમીટીએ સીલબંધ કવરમાં રજૂ કરેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો હતો કે, GNLUમાં દુષ્કર્મ, છેડતી, જાતીય સતામણી, હોમોફોબીયા અને પક્ષપાતની ઘટનાઓ બની છે. જેને લઈ ચીફ જસ્ટિસે આ અહેવાલને ખૂબ આઘાતજનક અને ડરામણો ગણાવ્યો હતો.

હાઇકોર્ટે સમગ્ર અહેવાલને બારીકાઇથી નિહાળ્યા બાદ તેમાં ઉલ્લેખ કરાયેલી ચોંકાવનારી હકીકતોને લઈ હાઈકોર્ટ ભારે વ્યથિત થઇ ગઇ હતી. હાઇકોર્ટે રિપોર્ટને ટાંકતા જણાવ્યું કે, GNLUમાં જાતીય શોષણ, દુષ્કર્મ, ભેદભાવ, હોમોફોબીયાની ઘટનાઓ ઉપરાંત, લો સ્ટુડન્ટન્સના અવાજને દબાવવાનો પ્રયાસ, સંસ્થામાં ઇન્ટર્નલ કમ્પલેન કમીટીનો અભાવ અને તેની વિદ્યાર્થીઓને પણ કોઈ માહિતી નહી હોવા સહિતની ગંભીર બાબતો સામે આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.