FIBA Basketball World Cup 2027 Qualifiers: અમદાવાદ હાલમાં આંતરરાષ્ટ્રીય રમતગમતની ગતિવિધિઓનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. ફિબા (FIBA) બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ – વિન્ડો 3ની યજમાની કરવા માટે શહેર સજ્જ છે. જેમાં ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમ 2 થી 5 જુલાઈ, 2026 દરમિયાન નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે મેદાને ઉતરશે.
ક્વોલિફિકેશન માટે નિર્ણાયક મુકાબલા
ભારત પોતાના અભિયાનની શરૂઆત આજે 2 જુલાઈએ કતાર સામે કરશે અને ત્યારબાદ 5 જુલાઈએ લેબનોન સામે ટકરાશે. વર્લ્ડ કપમાં સ્થાન નિશ્ચિત કરવા માટે આ બંને મેચો ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્પોર્ટ્સ હબ તરીકે અમદાવાદની વધતી ઓળખ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ આયોજન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે- વિવિધ રમતોના આંતરરાષ્ટ્રીય આયોજનો સાથે અમદાવાદ સતત એક મોટા સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધી રહ્યું છે. તેમણે નોંધ્યું કે, તાજેતરમાં જ સફળતાપૂર્વક 'એવીસી (AVC) મેન્સ વોલીબોલ કપ'નું આયોજન કર્યાના ગણતરીના દિવસોમાં જ અમદાવાદ આ નવી ટૂર્નામેન્ટનું સ્વાગત કરી રહ્યું છે. આ આયોજન ગુજરાતના વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતગમત પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
ટીમ ઇન્ડિયાની તૈયારીઓ અને યુવા પ્રતિભાઓ
હેડ કોચ સ્કોટ ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ હાલમાં 'પુનઃગઠન' (Rebuilding) ના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમમાં યુવા પ્રતિભાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટીમમાં કન્વર સંધુ, પ્રણવ પ્રિન્સ, પ્રિન્સપાલ સિંઘ અને હર્ષ ડાગર જેવા ખેલાડીઓ સામેલ છે, જેમના તાજેતરના પ્રદર્શન ખૂબ જ આશાસ્પદ રહ્યા છે.
FIBA રેન્કિંગમાં વિશ્વમાં 76મા અને એશિયામાં 14મા ક્રમે રહેલી ભારતીય ટીમ, ઘરઆંગણે અમદાવાદના પ્રેક્ષકોના પ્રોત્સાહન સાથે વિરોધીઓને મજબૂત ટક્કર આપવા માટે સજ્જ છે.
બાસ્કેટબોલ પ્રેમીઓ માટે અપીલ
અમદાવાદ ચાર દિવસ સુધી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મેચોનું સાક્ષી બનશે. એશિયન બાસ્કેટબોલમાં ભારતનું સ્થાન મજબૂત કરવા માટે આ મેચોમાં રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવી રાષ્ટ્રીય ટીમને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે.
