અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 6,500 વિદ્યાર્થીઓએ રચી વિશાળ સપ્તરંગી માનવ રંગોળી, જુઓ VIDEO

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 06 Oct 2026 10:53 AM (IST)Updated: Tue, 06 Oct 2026 10:53 AM (IST)
ahmedabad-gmdc-ground-students-form-bharat-human-rangoli-drone-video

Ahmedabad GMDC Ground Human Rangoli Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે ભવ્ય માનવ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને સપ્તરંગી માનવ રંગોળીનું નિરીક્ષણ કર્યું અને સહભાગી થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

6,500 વિદ્યાર્થીઓએ આપ્યો 'સેવાના રંગો, રાષ્ટ્રના સંગ' સંદેશ

આ અનોખા કાર્યક્રમનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં અમદાવાદ શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે 6,500 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તમામ વિદ્યાર્થીઓએ નારંગી, પીળો, લાલ, જાંબલી, લીલો, વાદળી અને સફેદ સહિતના સપ્તરંગોના સમૂહમાં એકસાથે જોડાઈને ભારત દેશની અત્યંત આકર્ષક માનવ રંગોળી રચી હતી. આ કાર્યક્રમ દ્વારા 'સેવાના રંગો, રાષ્ટ્રના સંગ' સંદેશ આપવામાં આવ્યો હતો.

એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન, ગુજરાતની નવી સિદ્ધી

આ માનવ રંગોળી કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત Asia Book of Records દ્વારા “Largest Human Formation Depicting a Contemporary Mandala Art” તરીકે નોંધવામાં આવ્યો છે. જેમાંમાં કુલ 6,424 સહભાગીઓ દ્વારા સપ્તધારાની થીમ આધારિત સમકાલીન મંડલા આર્ટનું જીવંત નિર્માણ કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રસ્થાને “ભારત” શબ્દને રંગબેરંગી ભૌમિતિક આકારો સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ ભારતના વિકાસ, એકતા, સર્જનાત્મકતા અને ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પનું પ્રતીક બની છે.

વધુમાં, આ તકે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક રંગોળીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ જનહિતકારી અભિયાનો અંગે જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ Reduce, Reuse, Recycle તથા સ્ટોર્મ વોટર લાઈન, સુએજ  તેમજ સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર આકર્ષક રંગોળીઓ બનાવી નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ, પાણીના યોગ્ય નિકાલ અને સ્વચ્છ શહેર નિર્માણ માટે પ્રેરણાદાયક સંદેશો આપ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિરીક્ષણ અને પ્રમાણપત્ર એનાયત

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ રંગોળીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, શિસ્ત તથા સામૂહિક ભાગીદારીને મુક્તકંઠે બિરદાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માનવ રંગોળીમાં સહભાગી થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

માનવ આકૃતિમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓની સામૂહિક ભાગીદારી અને રંગોની ગોઠવણીથી સ્થળ રાષ્ટ્રભાવનાના રંગોથી રંગાઈ ગયું હતું, જ્યારે મા અંબાના ગરબા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ બન્યું હતું.

આ ગૌરવશાળી પ્રસંગે રાજકીય અગ્રણીઓ, મ્યુનિસિપલ અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સાંસદ દિનેશ મકવાણા અને હસમુખ પટેલ તથા ધારાસભ્ય અમિત ઠાકર, દિનેશસિંહ કુશવાહ, જીતુ પટેલ, હર્ષદ પટેલ, અમૂલ ભટ્ટ, ડૉ. હસમુખ પટેલ, કૌશિક જૈન અને કંચનબેન રાદડિયા સહિત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.