અમદાવાદને મળશે પ્રથમ રોટરી પાર્કિંગ: માત્ર 2 કારની જગ્યામાં પાર્ક થશે 12 કાર, રિલીફ રોડ પર ખરીદી કરવા જનારાઓને થશે ફાયદો

રોટરી પાર્કિંગ વ્યવસ્થાથી પાર્કિંગ ક્ષમતામાં આશરે છ ગણો વધારો થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વેપારીઓ, ખરીદદારો અને મુલાકાતીઓ માટે પાર્કિંગ વધુ સુલભ, સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 12:02 PM (IST)Updated: Thu, 08 Oct 2026 12:02 PM (IST)
ahmedabad-gets-its-first-rotary-parking-system-at-ratanpol-big-relief-for-relief-road-traffic

Ahmedabad Rotary Parking System: અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા રિલીફ રોડ અને રતનપોળ વિસ્તારમાં ખરીદી માટે જતા લોકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અમદાવાદનું સર્વપ્રથમ 'રોટરી પાર્કિંગ' આકાર લઈ રહ્યું છે, જ્યાં સામાન્ય રીતે માત્ર 2 કાર પાર્ક થતી હોય તેવી નાની જગ્યામાં હવે એક સાથે 12 ગાડીઓ પાર્ક કરી શકાશે. આ નવી ટેકનોલોજીથી પાર્કિંગની ક્ષમતામાં સીધો 6 ગણો વધારો થતાં સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને મોટી સુવિધા મળશે.

રતનપોળ ખાતે આકાર લઈ રહ્યું છે પ્રથમ રોટરી પાર્કિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા શહેરના વ્યસ્ત વ્યાપારી વિસ્તાર રિલીફ રોડ પર પાર્કિંગની સુવિધામાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. રતનપોળના નાકા ખાતે અમદાવાદનું પ્રથમ (First in Ahmedabad) આધુનિક રોટરી પાર્કિંગ ઉભું કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વેપારીઓ, ખરીદદારો અને મુલાકાતીઓ માટે પાર્કિંગ વધુ સુલભ, સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે.

રોટરી પાર્કિંગ વ્યવસ્થાની શું છે વિશેષતા

મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી આ રોટરી પાર્કિંગ વ્યવસ્થાની વિશેષતા એ છે કે જ્યાં સામાન્ય રીતે માત્ર બે કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યામાં એક સાથે અંદાજે 12 કાર પાર્ક કરી શકાશે. આ રીતે પાર્કિંગ ક્ષમતામાં આશરે છ ગણો વધારો થશે. મર્યાદિત જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ કરીને પાર્કિંગની ઉપલબ્ધતા વધારવાના હેતુથી આ નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે રિલીફ રોડ વિસ્તારમાં ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં તેમજ પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુગમ અને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.