Ahmedabad Flower Show 2027: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ ફ્લાવર શોમાં અવનવી થીમ પર કલાકૃતિઓ રજૂ કરવામાં આવે છે. જોકે, આ વર્ષે રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો-2027માં ફૂલોની સજાવટની સાથે સાથે આકર્ષક અને વિશાળ કલાકૃતિઓ રજૂ કરવામાં આવનાર છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અંદાજે 12 કરોડનાં ખર્ચે 8 અલગ અલગ થીમ આધારિત ઝોન તૈયાર કરવામાં આવ્યું છે.
કલાકૃતિઓને ગાર્ડનમાં રખાશે
સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2027માં મનપા દ્વારા રજૂ થનારી થીમોની બનાવટમાં ફાઈબર, મેટલ, ઈકો-ફ્રેન્ડલી કમ્પોઝિટ, ફાઈબર-રીઈન્ફોર્સ્ડ પ્લાસ્ટિક એફઆરપી, એક્રેલિક, લાકડું અને વાંસનો ઉપયોગ કરવામાં આવશે, ઉપરાંત આ કલાકૃતિઓને આબોહવા સામે ટકાવી રાખા મેટલ ફ્રેમ પર ખાસ કોટિંગ કરવામાં આવશે. મનપા દ્વારા શો પૂર્ણ થયા પછી તમામ કલાકૃતિઓને ગાર્ડન્સમાં સ્થાપિત કરવાની યોજના છે.
18 દિવસ સુધી ચાલશે ફ્લાવર શો
મનપા દ્વારા આયોજિત ફ્લાવર શો 18 દિવસ સુધી ચાલશે.આ થીમમાં પર્યાવરણ, સંસ્કૃતિ અને બાળવાર્તાઓ આધારિત આકર્ષક થીમ્સ પર લાખો મ નમોહક ફૂલોથી સજ્જ વિશાળ રચનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. અમદવાદના આંગણે ભવ્ય ફ્લાવર શોમાં દેશ-વિદેશ અને ગુજરાતના સહેલાણીઓ આનંદ માણવા માટે આવશે.
ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો અને થિમેટિક ડિસ્પ્લે
ગુજરાતની અજાયબી અને કલા-સંસ્કૃતિ
- કચ્છનું સફેદ રણ: પ્રદર્શનમાં કચ્છના સફેદ રણની થીમ સાથે 20 ફૂટ ઊંચા સૂર્ય અને ચંદ્રની કલાકૃતિઓ મૂકાશે.
- વોલ ઈન્સ્ટોલેશન: કપાસના ફૂલની 40 આકર્ષક પ્રતિકૃતિઓ અને 40 ફૂટની વિશાળ વોલ ઈન્સ્ટોલેશન પ્રદર્શિત કરાશે.
દેશની કુદરતી સંપત્તિ અને દરિયાઈ જીવસૃષ્ટિ
- કુદરતી સંપત્તિ: દેશમાં મળી આવતા દુર્લભ ફૂલોની 8 મોટી પ્રતિકૃતિઓ અને મનમોહક ધોધ જેવી 2 વિશાળ ફૂલોની રચનાઓ કરાશે.
- દરિયાઈ જીવોના શિલ્પો: 20 ફૂટની વહેલ માછલી, ઓક્ટોપસ, કાચબો, જેલીફિશ, દરિયાઈ ઘોડાના ફૂલોથી બનેલા શિલ્પો અને 2 ફિન સ્ટ્રક્ચર આકર્ષણનું કેન્દ્ર બનશે.
બાળવાર્તા અને અર્બન ગ્રીનિંગ (પર્યાવરણ)
- બાળવાર્તા વિભાગ: કાગડો અને શિયાળની પ્રખ્યાત વાર્તા આધારિત શિલ્પો, વિવિધ પ્રાણી-પક્ષીઓ તેમજ 42 બાય 42 ફૂટ અને 30 ફૂટ ઊંચી વડલાના વૃક્ષ આધારિત રચના બાળકો માટે આકર્ષક બનશે.
- પર્યાવરણલક્ષી સંકલ્પ: 'મિશન મિલિયન ટ્રી' આધારિત 2 અર્બન ગ્રીનિંગ ગ્રિડ, 20 એવોર્ડ વિજેતા બોન્સાઈ છોડ અને 10 ટેરેરિયમનું વિશેષ પ્રદર્શન યોજાશે.
ઐતિહાસિક વાવ અને વિરાસતની થીમ
- વિશાળ વાવની પ્રતિકૃતિ: 256 ફૂટ લાંબી અને 27 ફૂટ ઊંચી વાવની ભવ્ય પ્રતિકૃતિ, જેમાં 48 થાંભલા, 230 ફૂટની મેટલ ફ્રેમ વોલ, 73 ફૂટનો કુંડ-ફુવારો અને આકર્ષક કિનેટિક લોગો જોવા મળશે.
- પોળ અને ચબૂતરો: અમદાવાદની વિરાસત સમી 160 બાય 30 ફૂટની પોળની પ્રતિકૃતિ, 25 ફૂટ ઊંચો RRR ગેટ અને 30 ફૂટ ઊંચા ચબૂતરાની વિશેષ પ્રતિકૃતિ મૂકવામાં આવશે.
કોમનવેલ્થ ગેમ્સ અને ખેલાડીઓનું સન્માન
- ઈન્ટરેક્ટિવ વોલ: 101 ફૂટ લાંબી અને 15 ફૂટ ઊંચી 2 વિશેષ ઈન્ટરેક્ટિવ વોલ તૈયાર કરવામાં આવી છે.
- ખેલાડીઓના શિલ્પો: વિવિધ રમતોના ખેલાડીઓના 11 ફૂટ ઊંચા 4 શિલ્પો, ગેમ્સનો લોગો અને 16 ફૂટનો મધ્યસ્થ થાંભલો પ્રદર્શિત કરાશે.
