Ahmedabad: શીલજમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવીને 22 લાખની લૂંટ, 75 વર્ષીય દંપતીને ધમકાવીને હીરાજડિત દાગીના અને રોકડ સહિતની મત્તા લૂંટી

છરીની અણીએ દંપતીને બંધક બનાવીને, લૂંટારુઓએ આશરે 21.91 લાખની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 02 Nov 2025 09:58 AM (IST)Updated: Sun 02 Nov 2025 09:58 AM (IST)
ahmedabad-elderly-couple-held-hostage-and-robbed-of-rs-22-lakh-in-shilaj-diamond-jewellery-looted-630891
HIGHLIGHTS
  • 75 વર્ષીય ભરતભાઈ શાહ તેમની પત્ની પલ્લવીબેન સાથે આર્યમાન બંગ્લોઝમાં રહે છે.
  • ગત 26 ઓક્ટોબરની રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ, ભરતભાઈની ઊંઘ ઉડતાં તેમની સામે છરી લઈને બે શખ્સો ઊભા હતા.

Ahmedabad News: અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત આર્યમાન બંગ્લોઝમાં રહેતા એક વૃદ્ધ દંપતીના ઘરમાં ત્રણ ધાડપાડુઓ ઘૂસી જઈને સનસનાટીભરી લૂંટને અંજામ આપ્યો છે. છરીની અણીએ દંપતીને બંધક બનાવીને, લૂંટારુઓએ આશરે 21.91 લાખની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

લૂંટની હચમચાવી નાખનારી ઘટના

અમદાવાદના ટેક્સટાઇલ્સ મશીનરીના વેપારી 75 વર્ષીય ભરતભાઈ શાહ તેમની પત્ની પલ્લવીબેન સાથે આર્યમાન બંગ્લોઝમાં રહે છે. ગત 26 ઓક્ટોબરની રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ, ભરતભાઈની ઊંઘ ઉડતાં તેમની સામે છરી લઈને બે શખ્સો ઊભા હતા. તેમણે બૂમો પાડવાનો પ્રયાસ કરતા જ એક શખ્સે તેમના ગળા પર છરી મૂકી દીધી અને ધમકી આપી. પલ્લવીબેન જાગી જતાં ત્રીજા શખ્સે તેમને પણ છરી બતાવીને ઘરમાં રહેલી તમામ કિંમતી વસ્તુઓ અને તિજોરી બતાવવા કહ્યું. ગભરાયેલા દંપતીએ બેડરૂમની તિજોરી ખોલી આપતાં, લૂંટારુઓએ તેમાંથી હીરાની બુટ્ટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ સહિતના હીરાજડિત અને સોના-ચાંદીના દાગીના અને રોકડ 1 લાખ મળીને કુલ 21.91 લાખની મત્તા લૂંટી લીધી હતી.

બારીના કાચ તોડીને ઘરમાં પ્રવેશ

લૂંટારુઓ જતાં જતાં દંપતીને ગંભીર ધમકી આપી હતી કે "જો ગુનો દાખલ કરશો તો તમને જાનથી મારી નાંખીશું." ત્યારબાદ ભરતભાઈએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી, જેના પગલે બોડકદેવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે, ત્રણ લૂંટારુઓ રાત્રે 12:57 વાગ્યે બંગલાની પાછળની દિવાલ કૂદીને ગાર્ડનમાં આવ્યા હતા અને ડાઇનિંગ ટેબલ પાસેની બારીનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. તેઓ રાતના 2:48 વાગ્યે લૂંટ કરીને દિવાલ કૂદીને ફરાર થઈ ગયા હતા.

એકલા રહેતા વૃદ્ધો માટે સુરક્ષા-સતર્કતા જરૂરી

વૃદ્ધ દંપતીઓ સાથે બનેલી આ ઘટના સુરક્ષા અંગે ગંભીર સવાલ ઊભો કરે છે. એકલા રહેતા વૃદ્ધોએ સુરક્ષિત રહેવા માટે નીચે મુજબની સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. ઘરના પ્રવેશદ્વાર, ગેલેરી અને બહારના ભાગમાં હાઇ રિઝોલ્યુશન કેમેરા લગાવો. રિપેર, ડિલિવરી કે સરકારી કર્મી તરીકે આવનાર વ્યક્તિની ઓળખ પૂછીને જ અંદર પ્રવેશ આપો. બેંક, જ્વેલરી કે નાણાકીય વ્યવહારની માહિતી કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરો. પોલીસ, નજીકના પડોશી અને પરિવારજનોના નંબર ફાસ્ટ ડાયલમાં રાખો. રાત્રે દરવાજા અને બારીઓ બરાબર લોક છે તેની ખાતરી કરો. બોડકદેવ પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે ત્રણેય ધાડપાડુઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.