અમદાવાદમાં દિવાળીની રોશની પર AMCનો કાપ! 118ને બદલે માત્ર 7 સ્થળોએ જ થશે લાઇટિંગ

દિવાળીના તહેવાર દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠતા અમદાવાદ શહેરમાં આ વખતે નજારો કંઈક અલગ જોવા મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 11:26 AM (IST)Updated: Fri, 30 Oct 2026 11:26 AM (IST)
ahmedabad-diwali-2026-why-amc-is-cutting-decorative-lights-from-118-locations-to-7

Ahmedabad Diwali 2026: દિવાળીના તહેવાર દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠતા અમદાવાદ શહેરમાં આ વખતે નજારો કંઈક અલગ જોવા મળશે. રાજ્યમાં ઊર્જા કટોકટી અને વીજળી બચાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દિવાળીની સજાવટ અને ડેકોરેટિવ લાઈટિંગમાં મોટો કાપ મૂકવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે શહેરમાં અંદાજે 118 સ્થળોએ ભવ્ય રોશની કરવામાં આવતી હતી, તેના બદલે આ વર્ષે માત્ર 7 મહત્વના સ્થળો પર જ રોશની કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

AMC ની ગુરુવારે યોજાયેલી સપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન કમલેશ પટેલે આ નિર્ણય અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાહેર સ્થળો પર થતા વીજળીના વપરાશને નિયંત્રિત કરવા અને ઊર્જા બચાવવા માટે આ વખતે રોશનીના સ્થળો અને સમયગાળા બંનેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કયા 7 સ્થળોએ થશે લાઈટિંગ?

નવી વ્યવસ્થા મુજબ, અમદાવાદમાં માત્ર નીચે મુજબના 7 સ્થળોએ જ લાઈટિંગ કરવામાં આવશે:

  • સાબરમતી નદી પરના 6 બ્રિજ: સુભાષબ્રિજ સિવાય સાબરમતી નદી પર આવેલા તમામ 6 મુખ્ય બ્રિજ પર રોશની કરાશે.
  • નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિર: શહેરની નગરદેવી ભદ્રકાળી મંદિર પરિસરમાં ખાસ રોશની કરવામાં આવશે.

આ 7 સ્થળો સિવાય શહેરના અન્ય કોઈ બ્રિજ, સર્કલ, અંડરપાસ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈમારતો પર AMC તરફથી વધારાનું લાઈટિંગ કરવામાં આવશે નહીં.

સમયમાં 6 કલાકનો કાપ, રાત્રે 1:00 વાગ્યે લાઈટો બંધ થશે

રોશનીના સ્થળો ઉપરાંત લાઈટિંગ ચાલુ રાખવાના સમયમાં પણ મોટો ઘટાડો કરાયો છે:

  • અગાઉનો સમય: સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં સાંજે 7:00 વાગ્યાથી બીજા દિવસે સવારે 7:00 વાગ્યા સુધી (કુલ 12 કલાક) આખી રાત લાઈટિંગ ચાલુ રાખવામાં આવતું હતું.
  • નવો સમય: આ વર્ષે સામાન્ય દિવસોમાં સાંજે 7:00 વાગ્યાથી રાત્રે 1:00 વાગ્યા સુધી જ લાઈટો ચાલુ રહેશે. એટલે કે સમયમાં સીધો 6 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.

દિવાળી અને બેસતા વર્ષે ખાસ છૂટ: નાગરિકો તહેવારનો આનંદ માણી શકે તે માટે દિવાળી અને નૂતન વર્ષ (બેસતા વર્ષ) ની રાત્રે આ સાતેય સ્થળો પર આખી રાત લાઈટિંગ ચાલુ રાખવાની વિશેષ છૂટ આપવામાં આવી છે.

દર વર્ષે 118 સ્થળો ઝગમગતા હતા

અગાઉના વર્ષોમાં AMC દ્વારા શહેરભરમાં વ્યાપક લાઈટિંગ કરવામાં આવતું હતું. જેમાં સાબરમતીના બ્રિજ સિવાય અન્ય 45 ઓવરબ્રિજ, 46 મુખ્ય ટ્રાફિક સર્કલો, 7 અંડરપાસ, 11 હેરિટેજ દરવાજા, AMC ની મુખ્ય ઓફિસ અને ઝોનલ ઈમારતો તથા સિંધુ ભવન રોડ અને એસ.જી. હાઈવે જેવા જાણીતા વિસ્તારો સામેલ હતા. આ તમામ સ્થળોને આ વખતે વિશેષ સજાવટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.