Ahmedabad News: 11 મહિનાથી કામ કરતી સેલ્સ ગર્લ્સે ખેલ પાડ્યોઃ અમદાવાદના નિકોલમાં 1.66 કરોડના સોનાના દાગીના ચોરી કરી ફરાર

સીસીટીવી ફૂટેજમાં હર્ષિદા શેટ્ટી સાંજે 4થી 4.30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે આવેલા કબાટમાંથી સોનાના દાગીના કાઢી પોતાના ખિસ્સામાં મુકતી જોવા મળી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 13 May 2026 12:49 PM (IST)Updated: Wed, 13 May 2026 12:49 PM (IST)
ahmedabad-crime-news-nikol-gold-theft-sales-girls-stole-jewellery-worth-1-66-crore

Ahmedabad Gold Theft News: અમદાવાદના નિકોલ વિસ્તારના એક જ્વેલર્સ શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગઈ છે.આરોપી હર્ષિદા શેટ્ટીએ શો-રૂમના યુનિફોર્મ એવા શૂટ અને પેન્ટમાં જ દાગીના છુપાવ્યા હતા અને માલિકે રજા આપી હોવાનું જૂઠું બોલી શો-રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી નયનનગર સોસાયટીમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલના અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં 'આભૂષણ' નામનો સોના-ચાંદીનો શો-રૂમ ધરાવે છે. આ શો-રૂમમાં મેનેજર અને સેલ્સમેન સહિત કુલ 19 લોકોનો સ્ટાફ કાર્યરત છે. 11 મે 2026ના રોજ બપોરે જ્યારે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા ત્યારે શો-રૂમમાં હાજર સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ આ ચોરીને અંજામ આપ્યો હતો. હર્ષિદા છેલ્લા 11 મહિનાથી આ શો-રૂમમાં નોકરી કરતી હતી.

ચોરીની ઘટનાની જાણ સાંજે 5 વાગ્યે થઈ હતી જ્યારે દર્શનભાઈ શો-રૂમ પર પરત ફર્યા હતા. એક ગ્રાહક ખરીદી માટે આવ્યા ત્યારે સ્ટાફના કર્મચારી કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. આ બાબતે તપાસ કરતા સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટી ગેરહાજર જણાઈ હતી. અન્ય સ્ટાફે જણાવ્યું હતું કે હર્ષિદા 4.30 વાગ્યે માલિકની રજા લઈને ઇમરજન્સી કામ હોવાનું કહી નીકળી ગઈ છે. દર્શનભાઈએ કોઈ રજા આપી ન હોવાથી શંકા જતા તેમણે તાત્કાલિક સીસીટીવી કેમેરા તપાસ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં હર્ષિદા શેટ્ટી સાંજે 4થી 4.30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે આવેલા કબાટમાંથી સોનાના દાગીના કાઢી પોતાના ખિસ્સામાં મુકતી જોવા મળી હતી. ત્યારબાદ તે બીજા માળે આવેલા સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને ચહેરા પર સ્મિત સાથે બહાર નીકળી ગઈ હતી. ઘટના બાદ તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.

શો-રૂમમાં સ્ટોકની તપાસ કરતા સોનાની ચેઇન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ 1.66 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી યુવતીએ સોશિયલ મીડિયા પર 'Stay Loyal'નું સ્ટેટસ રાખ્યું હતું. હાલ નિકોલ પોલીસે ગુનો નોંધી ફરાર સેલ્સ ગર્લની શોધખોળ શરૂ કરી છે.