અમદાવાદમાંથી 61 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, 40 મહિલા અને 5 બાળકો સામેલ; ડિપોર્ટ કરવાની કવાયત શરૂ

આ બાંગ્લાદેશી લોકો દાણીલીમડા, નરોડા, નારોલ, ઓઢવ અને વટવા જેવા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 02 Nov 2026 09:08 PM (IST)Updated: Mon, 02 Nov 2026 09:08 PM (IST)
ahmedabad-crime-branch-detained-61-bangladeshi-nationals-deportation-process

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચની વિશેષ ડ્રાઈવ દરમિયાન બોગસ ભારતીય દસ્તાવેજોના આધારે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશીને અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા 40 મહિલા અને 5 બાળકો સહિત 61 અનધિકૃત બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે. આ તમામ લોકોની અટકાયત કરીને તેમને ડિપોર્ટકરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થોડા સમય અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે ફરી સમગ્ર શહેરમાં વ્યાપક ડ્રાઈવ અને ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી મહિલાઓ અને અન્ય લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ લોકોની તપાસ કરતા તેઓ બાંગ્લાદેશના મૂળ વતની હોવાનું સામે આવ્યું હતું.

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ACP એસ. નિનામા ના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન 100 જેટલા શકમંદ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમના દસ્તાવેજોની તપાસ કરતા તેમાંથી 61 લોકો બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થયું હતું. પકડાયેલી મોટાભાગની મહિલાઓ શહેરમાં આવેલા સ્પામાં કામ કરતી, જ્યારે પુરુષો કડિયાકામ અને છૂટક મજૂરીના કામ સાથે જોડાયેલા હતા.

આ બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદના દાણીલીમડા, નરોડા, નારોલ, ઓઢવ અને વટવા જેવા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. ઝડપાયેલા લોકો પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજોની સાથે-સાથે ભારતના બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ તમામ લોકોને હાલ ડિટેન્શન સેન્ટર (Detention Center) ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર મહિલાની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી અને ત્યારબાદ એક સાથે તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ખોટા દસ્તાવેજોના આધારે રહેતી બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી તેમની ડિપોર્ટેશનની પ્રક્રિયા ઝડપી બનાવી છે.