Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી બે સંચાલકોને ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી 150 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત 4.5 લાખ રૂપિયા છે. ઝડપાયેલા બન્ને આરોપીની પૂછપરછ હાથ ધરાઇ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે વસ્ત્રાલના માધવ ફાર્મ પાસે આવેલા સૂર્યમ એલિગન્સ ફ્લેટમાં બે શખ્સો ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો રાખીને વેપાર કરી રહ્યા છે. આ માહિતીના આધારે ટીમે તપાસ હાથ ધરી તેજસ ઠક્કર અને અજય જયસ્વાલ નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 150.090 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 4.50 લાખ આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ વસ્ત્રાલના ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં બે અલગ-અલગ સ્પા ચલાવતા હતા અને ગ્રાહકોને ડ્રગ્સ પૂરુ પાડતા હતા.
પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, બન્ને આરોપીઓ આ નશીલા પદાર્થનો જથ્થો રાજસ્થાનથી મંગાવતા હતા. રાજસ્થાનના સપ્લાયર પાસેથી ડ્રગ્સ મેળવીને અમદાવાદમાં છૂટક વેચાણ કરવામાં આવતું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના મુખ્ય સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે, તેમજ કેટલા સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં તેજસ ઉર્ફે તેજુભાઇ ઉપેન્દ્ર ભાઇ ઠક્કર સુરેન્દ્રનગરના પાટડીનો અને અજય જયસ્વાલ ઉત્તર પ્રદેશના બનારસનો રહેવાસી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી આઈ.એન. ઘાસુરાએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતમાં હાલ નશાના વેપારમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. અમને ચોક્કસ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક સ્પા સંચાલકો માત્ર સ્પા સેવાઓ જ નહીં, પરંતુ ગ્રાહકોને ગેરકાયદેસર ડ્રગ્સ પણ પૂરા પાડી રહ્યા છે. મળેલી માહિતીના આધારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સ સાથે ઝડપાયેલા બન્ને શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
