અમદાવાદમાં નશામાં ધૂત એક્સિસ બેન્ક મેનેજરનો આતંક: એક્ટિવાને કારમાં ફસાવી 1 કિમી સુધી ઘસડ્યું

અમદાવાદના વસ્ત્રાપુરમાં ગુરુકુળ ચાર રસ્તા પાસે એક્સિસ બેન્કના મેનેજરે કથિત રીતે દારૂના નશામાં એક્ટિવાને ટક્કર મારી હતી. એક્ટિવા કારના બોનેટમાં ફસાતાં ચાલકે તેને 1 કિમી સુધી ઘસડ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 06 Nov 2026 11:54 AM (IST)Updated: Fri, 06 Nov 2026 11:54 AM (IST)
ahmedabad-axis-bank-manager-drunk-driving-activa-dragged-1-km-gurukul-crossroads

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવીને અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં ચાર દિવસ પહેલાં જ નશામાં ધૂત ફોર્ચ્યુનર ચાલકે 3 લોકોનો ભોગ લીધો. હવે વધુ એક નશામાં ધૂત ચાલકે આતંક મચાવ્યો છે. વસ્ત્રાપુર વિસ્તારના ગરુકુળ ચાર રસ્તા પાસે એક્સિસ બેન્કના મેનેજરે નશાની હાલતમાં કાર ચલાવીને ગંભીર અકસ્માત સર્જીને એક્ટિવાને ઘસડ્યું હતો.

નશામાં ધૂત ચાલકે મચાવ્યો આતંક

મળતી માહતી પ્રમાણે, વસ્ત્રાપુર વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પર એક્સિસ બેન્કના મેનેજરે દારુના નશામાં આતંક મચાવ્યો હતો. આરોપી મેનેજરે બેફામ અને પૂરપાટ ઝડપે પોતાની કાર ચલાવીને લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેવામાં ગુરુકુળ ચાર રસ્તા પાસે એક એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કરના લીધે એક્ટિવા કારના બોનેટમાં ફસાઈ ગયું ને એક્ટિવા સવાર જમીન પર પટકાયો હતો.

1 કિમી સુધી એક્ટિવા ઘસડ્યું

નશામાં ધૂત બેન્ક મેનેજરે જ્યારે ગાડી રોકવાને બદલે હંકારી મૂકી હતી. તેણે લગભગ 1 કિમી દૂર દૂરદર્શન ચાર રસ્તા સુધી એક્ટિવાને ઘસડી હતી. લોકોએ બેન્ક મેનેજરને પકડી પાડ્યો હતો. અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પોલીસે જ્યારે કારની તલાશી લીધી તો કારમાંથી અડધી પીધેલી દારુની બોટલ મળી આવી હતી.

પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી

પોલીસ તપાસમાં નશામાં ડ્રાઈવિંગ કરીને જીવ જોખમમાં મૂકનારા ચાલકનું નામ એક્સિસ બેન્કના મેનેજર મીહિર નિરંજન શર્મા તરીકે સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોએ આરોપીને પોલીસ હવાલે કરતાં પોલીસે બેન્ક મેનેજર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.