Ahmedabad News: અમદાવાદ શહેરમાં પોલીસ અને મહિલા વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે કાયદાકીય ગુંચવણમાં ફેરવાયો છે. પાલડી વિસ્તારમાં પોલીસકર્મી સાથેની બબાલ બાદ ચર્ચામાં આવેલી મહિલા બંસરી ઠક્કરની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલા સામે હવે એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ 14 નવેમ્બરના રોજ એક મહિલા કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક કરવાના મામલે નોંધાઈ છે.
14 નવેમ્બરની ઘટનાનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જે 14 નવેમ્બરનો હોવાનું કહેવાય છે. આ દિવસે બંસરી ઠક્કરે હેલ્મેટ પહેર્યું ન હોવાથી ફરજ પરની મહિલા પોલીસે તેમને અટકાવ્યા હતા. પોલીસ દ્વારા રોકવામાં આવતા જ બંસરી ઠક્કર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે કાયદાનું પાલન કરવાને બદલે મહિલા પોલીસકર્મી સાથે અત્યંત બીભત્સ ભાષામાં ગાળાગાળી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કડક વલણ અપનાવ્યું છે.
પાલડી કેસ અને પોલીસકર્મીનું સસ્પેન્શન
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંસરી ઠક્કર અને હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે સમયે આરોપ હતો કે પોલીસકર્મીએ મહિલા પર હાથ ઉઠાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કાયદો હાથમાં લેવા બદલ હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે, તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે મહિલાએ પણ પોલીસ જવાન સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને અપશબ્દો કહ્યા હતા.
કાયદાનો ગાળિયો કસાયો
અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નાગરિકને પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાનો કે બીભત્સ ભાષાનો પ્રયોગ કરવાનો અધિકાર નથી. એન ડિવિઝન પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને બીભત્સ ગાળો બોલવા બદલ બંસરી ઠક્કર સામે ગુનો નોંધ્યો છે. પોલીસ હવે આ વાયરલ વીડિયો અને અગાઉની ફરિયાદોને આધારે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહી છે.
આ કિસ્સાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોલીસની દાદાગીરી સામે સવાલો ઉઠ્યા છે, તો બીજી તરફ નાગરિકો દ્વારા પોલીસ સાથે કરવામાં આવતી ગેરવર્તણૂક પણ ચિંતાનો વિષય બની છે. હાલમાં બંસરી ઠક્કર સામે એક પછી એક ફરિયાદો નોંધાતા તેમની ધરપકડની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. એન- ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બંસરી સામે બીએનએસની કલમ 221, 296(બી), 351(1) અને મોટર વાહન અધિનિયમની કલમ 194ડી હેઠળ ગુનો નોંધાયો છે.
