અમદાવાદમાં AMC ફૂડ વિભાગની લાલ આંખ: 15 હોસ્ટેલ અને કેન્ટીનોમાં તપાસ કરીને 42 સેમ્પલ લીધા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા વિવિધ હોસ્ટેલ અને કેન્ટીનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જાણો સંપૂર્ણ અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 14 Sep 2026 11:54 PM (IST)Updated: Mon, 14 Sep 2026 11:54 PM (IST)
ahmedabad-amc-raids-15-hostels-collects-42-food-samples

AMC Raid in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી વિવિધ હોસ્ટેલની કેન્ટીનો તથા મેસમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે AMCના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સલામત અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

તપાસ દરમિયાન ચકાસવામાં આવેલી મહત્વની બાબતો

અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર જઈને નીચે મુજબની બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

  • ખાદ્ય પદાર્થો તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા અને તેની સંગ્રહ વ્યવસ્થા.
  • કાચા માલ તથા તૈયાર ખોરાકની જાળવણીની પદ્ધતિ.
  • રસોડાની સ્વચ્છતા, વાસણો તથા ઉપયોગમાં લેવાતા સાધનોની સફાઈ.
  • પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવાની પદ્ધતિ.
  • રસોડા અને આસપાસના વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ થાય છે કે નહીં તેની ચકાસણી.

આ ચકાસણી દરમિયાન કુલ 15 કેન્ટીનો અને હોસ્ટેલ મેસની તપાસ કરવામાં આવી હતી. સંચાલકોને 'ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' (Food Safety and Standards Act, 2006)ની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

તપાસ કરાયેલી મુખ્ય હોસ્ટેલ અને કેન્ટીનોની યાદી

આ ડ્રાઇવ હેઠળ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી નીચે મુજબની સંસ્થાઓની કેન્ટીનો અને મેસ આવરી લેવામાં આવી હતી:

  • AMC MET Dental College, ખોખરા
  • નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ગર્લ્સ હોસ્ટેલ, મણિનગર
  • એ. મણિયાર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ, પાલડી
  • જયસ્વાલ કેન્ટીન (SVP હોસ્પિટલ પાસે, પાલડી)
  • એમ. કે. શાહ મેડિકલ કોલેજ કેન્ટીન, ચાંદખેડા
  • બેચલર ઝોન પી.જી., સરખેજ
  • સેકન્ડ હોમ પી.જી., વેજલપુર
  • એલ. જે. કોલેજ કેન્ટીન, સરખેજ
  • AMC MET બોય્ઝ હોસ્ટેલ (L.G. હોસ્પિટલ કેમ્પસ, મણિનગર)
  • AMC MET ગર્લ્સ હોસ્ટેલ (L.G. હોસ્પિટલ કેમ્પસ, મણિનગર)
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ
  • GEMC સમરસ બોય્ઝ હોસ્ટેલ
  • શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, નિકોલ
  • શ્રી લેવા પટેલ પ્રગતિ મંડળ, નિકોલ
  • GCS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બોય્ઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ કેન્ટીન, નરોડા રોડ

નમૂના સંગ્રહ અને કાયદેસરની કાર્યવાહી

ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અને ગુણવત્તા ચકાસવા માટે તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય સામગ્રીના કુલ 42 નમૂનાઓ (સેમ્પલ્સ) એકત્રિત કરવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ્સને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કે ભેળસેળ સાબિત થશે, તો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી સંસ્થાઓ સામે આ પ્રકારે સમયાંતરે ચેકિંગ ડ્રાઇવ ચાલુ રહેશે.