AMC Budget 2026-27: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2026-27 માટેનું રૂ. 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે ત્યારે એ પૂર્વે રજૂ થયેલા આ બજેટમાં શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા અનેક નવી યોજનાઓ અને વિકાસ કાર્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને ટ્રાન્સમિશન લાઈન્સનો સમાવેશ થાય છે.
15 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના વિતરણને વધુ સુલભ બનાવવા માટે રૂ. 474 કરોડના ખર્ચે 15 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો બનાવવામાં આવશે. આ સ્ટેશનો ગોતા (ટી.પી.221, ટી.પી.408), થલતેજ (ટી.પી.301), રાણીપ, સૈજપુર, લાંભા, રામોલ-હાથીજણ (ટી.પી.115, ઇન્દ્રપુરી ટાઉનશીપ ટી.પી.1), સરખેજ (ટી.પી.204, YMCA ક્લબ પાછળ), નિકોલ કઠવાડા (ટી.પી.415), વિરાટનગર મનમોહન (ટી.પી.103), ગીતા-ગૌરી સિનેમા પાસે, વસ્ત્રાલ (ટી.પી.117) અને કમોડ ગામ ખાતે બનશે.
નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ
- જાસપુર: રૂ. 109.12 કરોડના ખર્ચે 200 એમ.એલ.ડી. (મિલિયન લિટર પ્રતિ દિન) ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રગતિમાં છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં જાસપુરની કુલ ક્ષમતા 600 એમ.એલ.ડી. થશે, જેનાથી આશરે 11 લાખ વસ્તીને લાભ મળશે. ભવિષ્યમાં રૂ. 200 કરોડના ખર્ચે વધુ 250 એમ.એલ.ડી. ક્ષમતાનો પ્લાન્ટ બનાવવાનું પણ આયોજન છે.
- રાસ્કા: રૂ. 80 કરોડના ખર્ચે 100 એમ.એલ.ડી. ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની યોજના છે.
- કોતરપુર: રૂ. 230.42 કરોડના ખર્ચે 400 એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાથી કુલ ક્ષમતા 1550 એમ.એલ.ડી. થશે, જેનાથી આશરે 20 લાખ જેટલી વધુ વસ્તીને લાભ મળશે. આ પ્લાન્ટમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ પણ સ્થાપિત કરાશે, જે બેકવોશના વેસ્ટ વોટરને રિસાયકલ કરી ફરીથી ઉપયોગમાં લેશે.
- ટ્રંક મેઈન્સ લાઈન: એક્સપ્રેસ હાઈવેથી સરદાર પટેલ રિંગ રોડ સમાંતર કમોડ સુધી 18 કિ.મી. લાંબી ટ્રંક મેઈન્સ લાઈન નાંખવાનું કામ રૂ. 205.97 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે, જે પાણીના મુખ્ય વિતરણને મજબૂત બનાવશે.
- હયાત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોનું ઓગમેન્ટેશન: રૂ. 88 કરોડના ખર્ચે દુધેશ્વર વોટર વર્ક્સ, ઇન્ડિયા કોલોની વોર્ડ (ટી.પી.12), વેજલપુર બળદેવનગર, નરોડા ગામ, ઘુમા વિભુષા સોસાયટી સમ્પ અને હાથીખાઈ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિત 6 હયાત સ્ટેશનોની ક્ષમતા વધારવામાં આવશે.
- નર્મદા કેનાલ હેડ રેગ્યુલેટર અને પાઈપલાઈન: જાસપુર વોટર વર્ક્સ ખાતે નર્મદા મુખ્ય નહેરમાંથી પાણી મેળવવા માટે રૂ. 80 કરોડના ખર્ચે 467 એમ.એલ.ડી. ક્ષમતાનું હેડ રેગ્યુલેટર બનાવી રો-વોટર પાઈપલાઈન નાંખવાનું આયોજન છે.
- વેસ્ટર્ન ટ્રંક મેઈન્સ લાઈનનું શિફ્ટિંગ: મોટેરા ફ્રેન્ચવેલ બ્રિજથી સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવની પ્રીમાઈસીસમાંથી પસાર થતી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન્સ લાઈનને શિફ્ટ કરી બરાજની ડાઉનસ્ટ્રીમમાં નાંખવા માટે રૂ. 40.68 કરોડ ફાળવવામાં આવ્યા છે.
અમદાવાદ સેફ અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ
રૂ. 80 કરોડના ખર્ચે 'અમદાવાદ સેફ અને સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ' પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ વોટર SCADA સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. અપગ્રેડેશનમાં વોટર ઓડિટ, એનર્જી ઓડિટ અને વોટર ઓપરેશન મેનેજમેન્ટના સોફ્ટવેર સુધારાઓનો સમાવેશ થાય છે.
આ સિસ્ટમ દ્વારા રીયલ ટાઈમ વોટર ટ્રીટમેન્ટ, દૈનિક વોટર સપ્લાય અને પાણીની ગુણવત્તાના માપદંડોનું રીયલ ટાઈમ મોનીટરીંગ શક્ય બનશે. આનાથી પાણી લોકોના ઘર સુધી પહોંચે તે પહેલાં જ કોઈ ખામી જણાય તો સુધારાત્મક પગલાં લઈ શકાશે અને પાણીનો બગાડ અટકાવી શકાશે, જેના પરિણામે પાણીના કાર્યક્ષમ ઉપયોગ સાથે ઉર્જા બચત પણ થશે.
