Ahmedabad News: સ્વાઈન ફ્લુ વાયરસનો ગંભીર ચેપ માત્ર ફેફસાં સુધી સીમિત નથી રહેતો, પરંતુ તે હ્રદય માટે પણ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. આવો જ એક જટિલ કેસ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સામે આવ્યો હતો. જ્યાં 11 અલગ અલગ વિભાગની મલ્ટિડિસિપ્લિનરી ટીમે 84 કલાક ઈક્મો સપોર્ટ પર રાખીને 8 વર્ષના નાના બાળકને સફળતાપૂર્વક સાજો કર્યો છે.
હૃદયનું પમ્પિંગ ઘટીને 10 ટકા થયું હતું
બાળકને H1N1ના ગંભીર સંક્રમણ બાદ ફુલમિનેન્ટ માયોકાર્ડિટિસ (હ્રદયના સ્નાયુઓમાં સોજો આવવો) હોવાનું નિદાન થયું હતું. આ સ્થિતિને લીધે બાળકના હાર્ટની કાર્યક્ષમતા (પમ્પિંગ) ઘટીને 10 ટકાથી પણ નીચે જતી રહી હતી. જેનાથી હૃદય સંપૂર્ણપણે બંધ થવાનું જોખમ ઉભું થયું હતું.
બાળક કાર્ડિયોજેનિક શોકની સ્થિતિમાં ગયું
પી઼ડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડો. પવન પટેલ અને સર્જન ડો. દીપ્તિ કક્કડના જણાવ્યા મુજબ, સામાન્ય દવાથી રક્ત પરિભ્રમણ ન જળવાતાં બાળક કાર્ડિયોજેનિક શોકની સ્થિતિમાં જતું રહ્યું હતું. ડોક્ટોરોએ તાત્કાલિક નિર્ણય લઈને બાળકને ઓપરેશન થિયેટરમાં લઆ જઈને VA-ECMO સપોર્ટ પર મૂક્યો હતો.
4 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયું
લગભગ 84 કલક સુધી ઈકમો સપોર્ટ પર રહ્યા બાદ બાળકના હ્રદયે સ્વયં ધબકવાનું શરુ કર્યું હતું. સારવારના અંતે હૃદયનું પમ્પિંગ સુધરીને 51 ટકા સુધી પહોંચી ગયું હતું. 4 ગિવસની સતત સઘન સંભાળ બાદ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.
કેવી રીતે કામ કરે છે ECMO મશીન
ઈક્મો એટલે એક્સ્ટ્રાકોર્પોરીયલ મેમ્બ્રન ઓક્સિજનેશન. જ્યારે ગંભીર સ્થિતિમાં હ્રદય કે ફેફસા કામ કરવાનું બંધ કરી દે. અથવા પૂરતું કામ ન કરી શકે, ત્યારે ઈકમો મશીન શરીરની બહારથી લોહીમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ ટેક્નોલોજી હૃદયને કુદરતી રીતે સાજું થવા માટે જરુરી સમય આપે છે.
