Adani University 3rd Convocation:શનિવારે અમદાવાદ ખાતે અદાણી યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc)ના નિયામક પ્રો.ગોવિંદન રંગરાજને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ, તેની સંભાવનાઓ અને તેનાથી ઉદ્ભવતા જોખમો અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.
પ્રો. રંગરાજને જણાવ્યું હતું કે AI શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં નવી શક્યતાઓના દ્વાર ખોલી રહ્યું છે. તે પેચીદી સમસ્યાઓ ઉકેલવામાં અને વૈજ્ઞાનિક સંશોધનોને વેગ આપવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે." પરંતુ તેની સાથે તેમણે આજના ડિજિટલ યુગના જોખમો પ્રત્યે સજાગ કરતા ઉમેર્યું કે જ્યારે AI દ્વારા તસવીરો, વીડિયો અને માહિતી એટલી વાસ્તવિક રીતે તૈયાર કરી શકાય છે કે સાચું શું છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે, ત્યારે સત્ય અને વિશ્વાસ સામે મોટા સવાલો ઊભા થાય છે." તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું ટેક્નોલોજી આપણને ડિજિટલ રીતે નજીક લાવીને માનવીય સંબંધોથી દૂર કરી રહી છે? તેથી AIની ક્ષમતાઓ સ્વીકારવાની સાથે આપણે શું ગુમાવી રહ્યા છીએ તે અંગે પણ ગંભીર વિચાર કરવો જરૂરી છે.
આ દીક્ષાંત સમારોહમાં 2026ના બેચના 374 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 10 વિદ્યાર્થીઓને પદક આપી સન્માનિત કરાયા હતા, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 2 કાંસ્ય પદકનો સમાવેશ થાય છે.
અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. પ્રીતિ અદાણીએ પ્રો. રંગરાજનનું સ્વાગત કરતા જણાવ્યું કે અદાણી યુનિવર્સિટીને સંશોધન-આધારિત અગ્રણી સંસ્થા બનાવવા તરફ આગળ ધપાવવામાં તેમનું માર્ગદર્શન અમૂલ્ય છે. ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના સંબંધો પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, વાસ્તવિક દુનિયાના પડકારોના સંપર્કમાં આવવાથી એવા નવા વિચારો ઉદ્ભવે છે જે બંનેમાંથી કોઈ એકલા હાથે વિચારી શક્યા ન હોત. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રના માળખાગત વિકાસની સાથે ક્રાંતિકારી નવીનતાઓ (ઇનોવેશન) લાવી સમાજના વંચિત વર્ગો સુધી પહોંચવા અનુરોધ કર્યો હતો.
