લોકલ ડેસ્કઃ ચંદ્રનગર બ્રિજ નીચે રિવરફ્રન્ટ વોક વે પરથી વેપારીએ નદીમાં ઝંપલાવી ગુરૂવારે બપોરે આપઘાત કર્યો હતો. પોલીસને વેપારીએ લખેલો પત્ર તેમજ ત્રણ વિડિયો મળ્યા હતા. જેમાં પત્ની, તેના પ્રેમી સહિત સાત આરોપીઓએ આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાનો ઉલ્લેખ વેપારીએ કર્યો હતો. વેપારીએ વિડિયોમાં પત્ની તેના પ્રેમી અને અન્ય મહિલાના કહેવાથી ખોટી પોલીસ ફરિયાદ કરતી હોવાનો તેમજ 6 લાખના દાગીના તેમજ 85 હજાર રૂપિયા લઈ ગયેલા શખ્સોના ત્રાસથી આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતક વેપારીએ પહેલી પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કર્યા હતા. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતકની પત્ની સહિત સાત જણા સામે શુક્રવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે વેજલપુરના શ્રીહરી એપાર્ટમેન્ટમાં રહેતાં મૃતક વેપારી ભુપેન્દ્રભાઈ ગોવિંદભાઈ સોલંકીના પુત્ર અનિકેતની ફરિયાદ આધારે વેપારીની બીજી પત્ની ઉષાબહેન ચંદુભાઈ માજીરાણા, તેનો પ્રેમી હરીશ ઠક્કર, રમેશ માણસુર ડોડીયા, ધીરૂભાઈ ખીમજીભાઈ પરમાર, રમેશભાઈ જીવણભાઈ વાઘેલા અને વૈશાલી પટેલ અને કુલદીપ ઉર્ફ નાસ્તો પ્રેમચંદ પ્રજાપતિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદ મુજબ સાત વર્ષ અગાઉ પહેલી પત્ની મંજુબહેનનું અવસાન થતા ભુપેન્દ્રભાઈએ ઉષાબહેન સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્ની થોડા સમય વેજલપુરમાં રહ્યા બાદ નારણપુરાના મકાનમાં રહેવા લાગી હતી. નારણપુરામાં ભુપેન્દ્રભાઈ પર ઉષાબહેને તેના પ્રેમી હરીશ ઠક્કર અને વૈશાલી પટેલના કહેવાથી છેડતીની ખોટી ફરિયાદ કર્યાનું મૃતકે પુત્રને જણાવ્યું હતું.
ભુપેન્દ્રભાઈએ ઉંઘની ગોળીઓ ખાઈ લેતા પત્નીએ પોલીસને પતિ દારૂ પીને તકરાર હોવાનો ફોન કર્યો હતો. આમ પત્નીને બીજા જોડે ફરતી હોવાથી ભુપેન્દ્રભાઈ પરેશાન હતા. આ ઉપરાંત ભુપેન્દ્રભાઈએ રમેશભાઈ ડોડીયાના કહેવાથી રમેશ વાઘેલા ઉર્ફ જોજો અને ધીરૂભાઈ પરમાર પાસેથી છ લાખના દાગીના વેચાણ લીધેલા હતા. આ દાગીના આરોપીઓ ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી બે દિવસમાં આપી દઈશું તેમ કહી પહેરવા માટે લઈ ગયા બાદ પરત કરતા ન હતા.
આ ઉપરાંત કુલદીપ ઉર્ફે નાસ્તા પ્રજાપતિને 85 હજાર રૂપિયાની રકમ ભુપેન્દ્રભાઈએ આપી હતી.આ પેટે લખાણ કર્યું તેમાં કુલદીપના પિતા પ્રેમચંદભાઈએ સહી કરી હતી. આ રૂપિયા ચુકવવાની જગ્યાએ કુલદીપ ઉર્ફ નાસ્તાએ ભુપેન્દ્રભાઈ વિરૂદ્ધ પોલીસમાં ખોટી અરજી કરી હતી. આ અરજીને પગલે ભુપેન્દ્રભાઈએ પોલીસના કહેવાથી આરોપીને કાર પરત કરી દીધી હતી. આમ, પત્નીના પ્રેમપ્રકરણ, ખોટી ફરિયાદ કરવાની ટેવ તેમજ દાગીના લઈને પરત ના આપતા અને કાર મુકી પૈસા લઈ ગયા બાદ ખોટી ફરિયાદ કરનાર આરોપીઓથી તંગ આવી ભુપેન્દ્રભાઈએ આત્મહત્યા કર્યાનું તેઓએ બનાવેલા વિડિયો અને લખેલા પત્ર પરથી સ્પષ્ટ થયું હતું.