Paramedical Admission: મેડિકલ કરતા પેરામેડિકલના નિયમો વધુ કડક; ફિઝિયોથેરાપી-ઓપ્ટોમેટ્રી માટે ધો.12માં 50 ટકા અને NEET ફરજિયાત

પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પેરામેડિકલ કોર્સમાં ધોરણ ૧૨માં ૩૫ ટકા સાથે પ્રવેશ મળતો હતો, તેમ છતાં રાજ્યમાં દર વર્ષે અંદાજે 5 થી 7 હજાર બેઠકો ખાલી રહેતી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 10:37 AM (IST)Updated: Mon 29 Dec 2025 10:37 AM (IST)
50-percent-in-hsc-and-neet-are-mandatory-for-admission-in-courses-including-physio-optometry-663938

Paramedical Admission Rules: ગુજરાત સહિત દેશભરમાં પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના એલાઇડ એન્ડ હેલ્થકેર કમિશન દ્વારા નવા અને અત્યંત કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા રેગ્યુલેશન મુજબ, ફિઝિયોથેરાપી અને ઓપ્ટોમેટ્રી સહિતના 10થી વધુ મુખ્ય કોર્સમાં પ્રવેશ માટે હવે ધોરણ 12માં લઘુત્તમ 50 ટકા ગુણ અને NEET (નીટ) પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવી છે.

મેડિકલમાં રાહત, પેરામેડિકલમાં કડકાઈ

આશ્ચર્યની વાત એ છે કે, જ્યાં મુખ્ય મેડિકલ (MBBS), આયુર્વેદ અને હોમિયોપેથી જેવા કોર્સમાં પ્રવેશ માટેની લાયકાતમાં સરકારે રાહત આપી છે. અગાઉ આ કોર્સ માટે ધોરણ 12માં 50 ટકાની મર્યાદા હતી, જે ઘટાડીને હવે માત્ર ‘પાસ’ (Passing Marks) કરી દેવામાં આવી છે. એટલે કે, મેડિકલમાં પ્રવેશ લેવા માટે ધોરણ 12માં માત્ર પાસ હોવું પૂરતું છે, પરંતુ તેનાથી નીચલા ગણાતા ફિઝિયોથેરાપી જેવા પેરામેડિકલ કોર્સ માટે વિદ્યાર્થીએ 50 ટકા લાવવા અનિવાર્ય બનશે. આ વિરોધાભાસી નિર્ણયને શિક્ષણવિદો ‘બુદ્ધિનું દેવાળું ફૂંકવા’ સમાન ગણાવી રહ્યા છે.

ખાલી બેઠકોનો આંકડો વધવાની ભીતિ

પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પેરામેડિકલ કોર્સમાં ધોરણ ૧૨માં ૩૫ ટકા (માત્ર પાસ) સાથે પ્રવેશ મળતો હતો, તેમ છતાં રાજ્યમાં દર વર્ષે અંદાજે 5 થી 7 હજાર બેઠકો ખાલી રહેતી હતી. હવે જ્યારે લાયકાતનો સ્કોર વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે અને સાથે NEET ફરજિયાત કરાઈ છે, ત્યારે ખાલી રહેતી બેઠકોની સંખ્યામાં તોતિંગ વધારો થવાની શક્યતા છે. આ નિર્ણયથી મધ્યમ અને નબળા પરિણામ ધરાવતા હજારો વિદ્યાર્થીઓ પેરામેડિકલ શિક્ષણથી વંચિત રહી શકે છે.

નવા કમિશનના નવા રેગ્યુલેશન

કેન્દ્ર સરકાર દ્વારા ફિઝિયોથેરાપી જેવા કોર્સને અલગ કરીને 'એલાઇડ એન્ડ હેલ્થકેર કમિશન' હેઠળ મૂકવામાં આવ્યા છે. આ કમિશનનો તર્ક છે કે હેલ્થકેર ક્ષેત્રે ગુણવત્તા જળવાઈ રહે તે માટે પ્રવેશના માપદંડ કડક હોવા જોઈએ. જોકે, વાસ્તવિકતા એ છે કે અગાઉ માત્ર ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ આ કોર્સમાં અરજી કરી શકતા હતા, જેમના માટે હવે NEET અને 50 ટકાનો બેવડો અવરોધ ઊભો થયો છે. આ નિર્ણયને કારણે આગામી શૈક્ષણિક વર્ષમાં પેરામેડિકલ કોલેજોમાં મોટા પાયે બેઠકો ખાલી રહેવાની અને ખાનગી કોલેજોની આર્થિક સ્થિતિ કથળવાની ભીતિ પણ સેવાઈ રહી છે.