Fact Check: સોનિયા ગાંધીને પગે લાગનાર શખ્સ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નથી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 30 Mar 2023 05:11 PM (IST)Updated: Thu, 30 Mar 2023 05:11 PM (IST)
fact-check-former-prime-minister-manmohan-singh-is-not-the-person-who-kicked-sonia-gandhi

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એક તસવીર વાયરલ થઈ રહી છે. તેમાં કેસરી પાઘડી પહેરેલ એક શખ્સને સોનિયા ગાંધીના પગે લાગતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે એક કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સોનિયા ગાંધીને પગે લાગ્યા હતા. વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરનાર શખ્સ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ એક નેતા હતા. આ તસવીરને પૂર્વ પીએમ મનમોહન સિંહ સાથે કોઈ લેવાદેવા નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Biju Raveendranએ 26 માર્ચના રોજ એક તસવીર પોસ્ટ કરી. આ તસવીરની ઉપર 'સોનિયા ગાંધીની ઉંમર 71 વર્ષ, મનમોહન સિંહની ઉંમર 85 વર્ષ, આ હતા આપણા પૂર્વ વડાપ્રધાન. અરે આમની ઉંમરનું તો ધ્યાન રાખ્યું હોત' લખેલું છે. આ પોસ્ટને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ વાયરલ કરવામાં આવી રહી છે. આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ
વિશ્વાસ ન્યૂઝે પૂર્વ પીએમ મનમોહન સિંહના નામથી વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ લેન્સ ટૂલનો ઉપયોગ કર્યો. તેની મદદથી સર્ચ કરવા પર અસલ તસવીર અમને ગેટ્ટી ઈમેજીસની વેબસાઈટ પર મળી. તસવીરના કેપ્શન મુજબ, 29 નવેમ્બર 2011ના રોજ ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સમ્મેલનમાં એક પ્રતિનિધિ સોનિયા ગાંધીને પગે લાગી રહ્યા હતા. આ તસવીર ઈન્ડિયા ટુડેના શેખર યાદવે ક્લિક કરી હતી.

તપાસને આગળ વધારતા આ સમ્મેલનની એવી તસવીર સર્ચ કરવામાં આવી, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હતા. ગેટ્ટી ઈમેજીસની જ વેબસાઈટ પર અમને એક એવી તસવીર મળી. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મનમોહન સિંહે વાદળી પાઘડી પહરેલી હતી, જ્યારે સોનિયા ગાંધીના ચરણને સ્પર્શ કરનાર વ્યક્તિએ કેસરી પાઘડી પહેરેલી હતી.

પૂર્વ પીએમના નામે પહેલા પણ ઘણી વખત આ તસવીરને વાયરલ કરવામાં આવી ચૂકી છે. તેની તપાસને અહીં વાંચી શકાય છે. વાયરલ તસવીર અંગે કોંગ્રેસના પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહ કહે છે કે તસવીરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નથી. આવી હરકતો આઈટી સેલના લોકો જ કરે છે.

કોંગ્રેસના સોશિયલ મીડિયાના નેશનલ કોઓર્ડિનેટર નીતિન અગ્રવાલે વિશ્વાસ ન્યૂઝને જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાથે ગાંધી પરિવારની છબીને ખરાબ કરવા માટે આવી ફેક પોસ્ટનો સહારો લેવામાં આવે છે. આ પોસ્ટ ફેક છે. તસવીરમાં મનમોહન સિંહ હાજર નથી.

હવે અમારે એ શોધવાનું હતું કે અસલ તસવીરમાં સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરનાર શખ્સ કોણ છે. આ અંગે વિશ્વાસ ન્યૂઝે ઇન્ડિયન યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા હોદ્દેદારોનો સંપર્ક કર્યો. નેશનલ મીડિયા પેનલિસ્ટ અમન દુબે અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર રેશમા આલમે પણ સ્પષ્ટતા કરી કે તસવીરમાં મનમોહન સિંહ નથી. કોંગ્રેસના યુવા નેતા અને રાષ્ટ્રીય સચિવ રોહિત ચૌધરીએ જણાવ્યું કે આવા કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. આવી સ્થિતિમાં તે જણાવું ખૂબ જ મુશ્કેલ છે તે પગને સ્પર્શ કરનાર શખ્સ કોણ હતો.

તપાસના અંતિમ તબક્કામાં ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. યુઝર બિજુ રવીન્દ્રન બેંગ્લોરનો રહેવાસી છે. તેના એકાઉન્ટ પર 4900 ફેસબુક ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામે વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. તસવીરમાં યૂથ કોંગ્રેસના એક નેતા સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી આ તસવીરને મનમોહન સિંહના નામે વાયરલ કરી દીધી.