'Uncha Lamba Kaad Forever' released: બોલીવૂડના સૌથી યાદગાર અને આઇકોનિક ગીતોમાં સ્થાન ધરાવતું ‘ઊંચા લંબા કદ’ હવે નવા અંદાજ અને ડબલ એનર્જી સાથે પરત આવ્યું છે. ટાઈમ્સ મ્યુઝિકના એક મહત્વપૂર્ણ વિભાગ તરીકે કાર્યરત ‘જંગલી મ્યુઝિક’ દ્વારા વર્ષ 2026ની બહુપ્રતીક્ષિત કોમેડી એન્ટરટેનર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (Welcome to the Jungle) નું નવું ગીત ‘ઊંચા લંબા કદ ફોરએવર’ સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીત નોસ્ટેલ્જિયા, સુપરસ્ટાર પાવર અને મોર્ડન મ્યુઝિકનો એક અદભુત સંગમ છે, જે યુવા પેઢી સહિત તમામ દર્શકોને ઝૂમવા માટે મજબૂર કરી રહ્યું છે.
અક્ષય કુમાર અને દિશા પટાણીની હાઈ-વોલ્ટેજ કેમિસ્ટ્રી
આ ગીત બોલીવૂડના ખિલાડી અક્ષય કુમાર અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટાણી પર ફિલ્માવવામાં આવ્યું છે. બંને કલાકારોની શાનદાર કેમિસ્ટ્રી, અદભુત ડાન્સ મૂવ્સ અને રંગબેરંગી ભવ્ય સેટ ગીતનું મુખ્ય આકર્ષણ છે. મૂળ ગીતના સદાબહાર સંગીતને સુપ્રસિદ્ધ સંગીતકાર આનંદ રાજ આનંદે તૈયાર કર્યું હતું, જ્યારે આજના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તેને નવો અને આધુનિક ટ્વિસ્ટ સંગીતકાર વિક્રમ મોન્ટ્રોઝ દ્વારા આપવામાં આવ્યો છે. વિક્રમે ઓરિજિનલ ગીતની આત્મા અને તેના મૂળ જોશને બરકરાર રાખીને તેમાં આધુનિક પોપ સંસ્કૃતિ અને નવી ઊર્જાનો અદભુત સંચાર કર્યો છે.
આ ગીતમાં આનંદ રાજ આનંદ અને રૂબાઈએ પોતાના મધુર અવાજ આપ્યા છે. શબ્દોની વાત કરીએ તો, ગીતકાર સમીરના જૂના આઇકોનિક શબ્દોની સાથે મેઘા બાલી દ્વારા લખાયેલા નવા આધુનિક શબ્દોને પણ ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે.
ગીતના રી-ક્રિએશન અંગે ટીમનો શું છે અભિપ્રાય?
ગીતનું રી-ક્રિએશન કરનાર વિક્રમ મોન્ટ્રોઝે જણાવ્યું હતું કે, “મૂળ ‘ઊંચા લંબા કદ’ ગીત દરેક સંગીતપ્રેમીના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. તેથી અમારા માટે પડકાર એ હતો કે તેના પ્રત્યેના લોકોના આકર્ષણને જાળવી રાખીને તેને એવી નવી ઓળખ આપવી, જે ‘વેલકમ ટુ ધ જંગલ’ની વાઇબ્સ અને એનર્જી સાથે મેચ થાય.” જ્યારે નવી લિરિક્સ લખનારી મેઘા બાલીએ ઉમેર્યું કે, “આવા ગીતો સાથે દર્શકોની ભાવનાત્મક યાદો જોડાયેલી હોય છે. અમારો પ્રયાસ માત્ર એટલો જ હતો કે જૂનો સ્વાદ કાયમ રહે અને આજના જમાનાનો નવો તડકો પણ ઉમેરાય.”
ટાઈમ્સ મ્યુઝિક અને જંગલી મ્યુઝિકના સીઇઓ મંદાર ઠાકુરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ક્લાસિક ગીતો નવી પેઢી સુધી સન્માનપૂર્વક પહોંચવા જોઈએ. ‘ઊંચા લાંબા કદ ફોરએવર’ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.”
મલ્ટીસ્ટારર ફિલ્મ અને રિલીઝ ડેટની જાહેરાત
‘વેલકમ’ ફ્રેન્ચાઈઝી હંમેશા તેની ભવ્યતા અને વિશાળ સ્ટારકાસ્ટ માટે જાણીતી છે. અહમદ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બોલીવૂડના દિગ્ગજ કલાકારોનો મેળો જામ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, દિશા પટાણી, જેક્લિન ફર્નાન્ડિઝ, અરશદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રવીના ટંડન, લારા દત્તા, ફરીદા જલાલ, જૉની લિવર, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, રાજપાલ યાદવ અને કૃષ્ણા અભિષેક સહિત અનેક જાણીતા ચહેરાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મ એ.એ. નાડિયાડવાલા, કેપ ઑફ ગુડ ફિલ્મ્સ અને સ્ટાર સ્ટુડિયોઝ 18 દ્વારા સીતા ફિલ્મ્સ અને રાકેશ ડાંગના સહયોગથી રજૂ કરવામાં આવી રહી છે. તેના પ્રોડ્યુસર રાકેશ ડાંગ અને વેદાંત વિકાસ બાલી છે, જ્યારે મુખ્ય નિર્માતા ફિરોઝ એ. નાડિયાડવાલા છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ 26 જૂન, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં આ ગીત તમામ ઓડિયો પ્લેટફોર્મ અને યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે.
