Welcome 3 Box Office Collection: અક્ષય કુમારની ફિલ્મ 120 કરોડને પાર, પરંતુ કમાણીની ગતિ ધીમી પડી; રવીના ટંડને આપ્યો જડબાતોડ જવાબ

બોક્સ ઓફિસના લાઈવ અપડેટ્સ અનુસાર, 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મે મંગળવારે (પાંચમા દિવસે) માત્ર 9.25 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન વધીને 81.50 કરોડ પર પહોંચી ગયું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 01 Jul 2026 11:14 AM (IST)Updated: Wed, 01 Jul 2026 11:14 AM (IST)
welcome-to-the-jungle-box-office-collection-day-5-gujarati-news
અક્ષય કુમાર વેલકમ 3 કલેક્શન

Welcome To The Jungle Box Office Day 5: બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારની બહુપ્રતીક્ષિત એક્શન-કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જોકે, શરૂઆતના શાનદાર વીકેન્ડ બાદ હવે વર્કિંગ ડેઝ શરૂ થતાં જ ફિલ્મની કમાણીની રફતારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રીલીઝના પાંચમા દિવસે એટલે કે તેના પહેલા મંગળવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર સિંગલ ડિજિટમાં કમાણી કરી છે, જે દર્શાવે છે કે ફિલ્મનો ક્રેઝ હવે થોડો ઓછો થઈ રહ્યો છે.

પાંચમા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

બોક્સ ઓફિસના લાઈવ અપડેટ્સ અનુસાર, 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મે મંગળવારે (પાંચમા દિવસે) માત્ર 9.25 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન વધીને 81.50 કરોડ પર પહોંચી ગયું છે. બીજી તરફ, જો Worldwide કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે અને પાંચ દિવસમાં તેનું કુલ ગ્લોબલ કલેક્શન 120.12 કરોડ નોંધાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મે તેના ઓપનિંગ વીકેન્ડમાં ઘરેલું બોક્સ ઓફિસ પર 63.75 કરોડથી વધુની બમ્પર કમાણી કરી હતી.

થિયેટરોમાં ઓક્યુપન્સીનો ટ્રેન્ડ

પાંચમા દિવસે ફિલ્મના શોના આંકડા અને ઓક્યુપન્સી (પ્રેક્ષકોની હાજરી) પર નજર કરીએ તો, દેશભરમાં ચાલી રહેલા કુલ 10,258 શોમાંથી સરેરાશ 29.06% ઓક્યુપન્સી જોવા મળી હતી. આખા દિવસ દરમિયાન ઓક્યુપન્સીનો ગ્રાફ નીચે મુજબ રહ્યો હતો:

  • મોર્નિંગ શો: 13.15%
  • આફ્ટરનૂન શો: 27%
  • ઇવનિંગ શો: 31.54%
  • નાઇટ શો: 44.54%

 

રાત્રિના શોમાં દર્શકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે ફિલ્મને આગામી દિવસોમાં ટકી રહેવામાં મદદ કરી શકે છે.

અગાઉના ભાગો કરતા વધુ સારું પ્રદર્શન અને આગામી પડકારો

એક સકારાત્મક પાસું એ છે કે "વેલકમ ટુ ધ જંગલ" આ ફ્રેન્ચાઇઝીની અગાઉની રીલીઝ થયેલી ફિલ્મો - "વેલકમ" (2007) અને "વેલકમ બેક" (2015) કરતાં પણ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મની સફર આગળ જતાં મુશ્કેલ બની શકે છે. ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં "આલ્ફા", "ધમાલ 4", "ધ ઓડિસી" અને હોલીવુડની મોસ્ટ અવેટેડ "સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે" જેવી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, જે 'વેલકમ 3' ની કમાણી પર સીધી બ્રેક લગાવી શકે છે.

કોમેડીમાં તર્ક ન શોધો: રવીના ટંડન

ફિલ્મની વાર્તા અને તેના કન્ટેન્ટને લઈને સોશિયલ મીડિયા તેમજ વિવેચકો દ્વારા થઈ રહેલી ટીકાઓ વચ્ચે, ફિલ્મમાં 'ઝોયા'નું પાત્ર ભજવનાર અભિનેત્રી રવીના ટંડને આડકતરો પ્રહાર કર્યો છે. NDTV સાથેની એક ખાસ મુલાકાતમાં રવીનાએ ટીકાકારોને સણસણતો જવાબ આપતા કહ્યું કે, "જો લોકો કોમેડી ફિલ્મોમાં વાસ્તવિકતા, કારણ કે તર્ક શોધતા હોય, તો કદાચ તેમણે હોલીવુડની કોમેડી ફિલ્મો જોઈ જ નથી. જીમ કેરી, એડમ સેન્ડલર, લેસ્લી નીલ્સન કે સ્ટીવ માર્ટિન જેવા દિગ્ગજોની સુપરહિટ ફિલ્મો અથવા તો 'ડમ્બ એન્ડ ડમ્બર' જેવી ફિલ્મોમાં કોઈ તર્કની અપેક્ષા રાખે છે ખરું? આ તો મિસ્ટર બીનના એપિસોડમાંથી લોજિક શોધવા જેવી વાત થઈ. લોકો ભલે ગમે તે કહે, પણ હું ખૂબ ખુશ છું કે આપણી ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે."

અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત આ મલ્ટિસ્ટારર ફિલ્મનું નિર્માણ ફિરોઝ એ. નડિયાદવાલા, રાકેશ ડાંગ અને વેદાંત વિકાસ બાલીએ સંયુક્ત રીતે કર્યું છે. ફિલ્મમાં બોલિવૂડના કલાકારોની એક આખી ફોજ જોવા મળી રહી છે, જેમાં સુનીલ શેટ્ટી, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, લારા દત્તા, ફરીદા જલાલ, જોની લીવર, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની, મુકેશ તિવારી, યશપાલ શર્મા, કિરણ કુમાર, ઝાકિર હુસૈન, વિંદુ દારા સિંહ અને ઉર્વશી રૌતેલા જેવા પ્રખ્યાત નામ સામેલ છે. આગામી વિકેન્ડ આ ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.