War 2 Trailer: ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆરની વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘વૉર 2’નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 35 સેકન્ડના આ ટ્રેલરમાં જુનિયર એનટીઆર અને ઋત્વિક રોશન વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.
'વૉર 2' નું ટ્રેલર રિલીઝ
હવે રિલીઝના ત્રણ અઠવાડિયા પહેલા જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઋતિક ફરી એકવાર મેજર કબીર ધાલીવાલ તરીકે પરત ફરી રહ્યો છે, જ્યારે જુનિયર એનટીઆર ખતરનાક એજન્ટ વિક્રમની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં ઋતિક અને કિયારા અડવાણી વચ્ચેની અદ્ભુત કેમેસ્ટ્રીની ઝલક પણ જોવા મળે છે.
'વોર 2' ના એક્શન સિક્વન્સ ફિલ્મનું સૌથી મજબૂત પાસું છે. વૈશ્વિક પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી વાર્તાનું ટ્રેલર ઋતિક અને જુનિયર એનટીઆરને 'વોરિયર' અને 'સોલ્જર' તરીકે રજૂ કરે છે. એવા લોકો જે પોતાના દેશ ભારત માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. આ ફક્ત બીજી એક્શન ફિલ્મ નથી પરંતુ તે ફરજ, બલિદાન અને સન્માનની વાર્તા છે.
એક્શન અવતારમાં કિયારા અડવાણી
‘વૉર 2’ના ટ્રેલરમાં ઋત્વિક અને જુનિયર એનટીઆર સહિત ફિલ્મના સંપૂર્ણ કાસ્ટની ઝલક જોવા મળી છે, જેમાં ફિલ્મની લીડ અભિનેત્રી કિયારા અડવાણી અને આશુતોષ રાણા શામેલ છે. ટ્રેલરમાં કિયારા અડવાણી પણ જબરદસ્ત એક્શન કરતી જોવા મળી છે. બંદૂક ચલાવવાથી લઈને લડાઈ કરવા સુધી કિયારાનો દમદાર અંદાજ જોવા મળ્યો છે. ફિલ્મમાં કિયારાનું પાત્ર ફક્ત ગ્લેમરથી ઘણું આગળ છે.
જુનિયર એનટીઆરનું બોલિવૂડ ડેબ્યૂ
'વૉર 2'માં જુનિયર એનટીઆર નેગેટિવ ભૂમિકામાં છે. આ ફિલ્મથી જુનિયર એનટીઆર બોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યા છે. ટ્રેલરમાં તેમનો અંદાજ અને દમદાર પાત્ર જોઈને લાગે છે કે જુનિયર એનટીઆર માટે બોલિવૂડમાં શરૂઆત કરવા માટે 'વૉર 2' એક સારો વિકલ્પ છે.
14 ઓગસ્ટના રોજ રિલીઝ થશે 'વૉર 2'
'વૉર 2'યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો એક ભાગ છે. 'વૉર 2' 2019 માં આવેલી 'વૉર' ની સિક્વલ છે. જેમાં ઋત્વિક રોશન સાથે ટાઈગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ વખતે 'વૉર 2' માં જુનિયર એનટીઆર ઋત્વિક રોશન સાથે ટક્કર લેતો જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત 'વૉર 2'સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ત્રણ ભાષાઓમાં ટ્રેલર રિલીઝ
‘વૉર 2’ના હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ટ્રેલર જારી કરવામાં આવ્યા છે. આમાંથી અત્યાર સુધી હિન્દીના ટ્રેલર પર 28 લાખથી વધુ વ્યૂઝ આવ્યા છે. જ્યારે તેલુગુ ભાષાના ટ્રેલર પર 12 લાખ અને તમિલ ભાષાના ટ્રેલરને 1 લાખ 54 હજાર વખત જોવામાં આવ્યું છે. આ રીતે થોડા જ કલાકોમાં ‘વૉર 2’ના ટ્રેલરને અત્યાર સુધી 41 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.
