Vijay Deverakonda and Rashmika Mandanna Wedding: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા આજે, 26 ફેબ્રુઆરી 2026 ના રોજ, રાજસ્થાનના ઉદયપુરમાં એક ભવ્ય અને ખાનગી સમારોહમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. ચાહકો દ્વારા પ્રેમથી ‘વિરોશ’ (VIROSH) તરીકે ઓળખાતા આ કપલે ઉદયપુરની લક્ઝરી હોટલ આઈટીસી (ITC) ગ્રાન્ડ મોમેન્ટોસ ખાતે સાત ફેરા લીધા હતા.
બે અલગ પરંપરાઓ મુજબ લગ્ન વિધિ
આ લગ્ન સમારોહમાં ભારતની બે અલગ સંસ્કૃતિઓનો સંગમ જોવા મળ્યો હતો. અહેવાલો મુજબ, સવારે 8:00 વાગ્યે પરંપરાગત તેલુગુ રીત-રિવાજો મુજબ લગ્ન સંપન્ન થયા હતા. જ્યારે સાંજે 4:00 વાગ્યાથી રશ્મિકાના વતન કુર્ગની પરંપરા મુજબ કોડવા રીત-રિવાજો સાથે લગ્નનો બીજો ભાગ શરૂ થશે. કપલના પરિવારજનો અને નજીકના સંબંધીઓ 23 ફેબ્રુઆરી થી જ વેન્યુ પર પહોંચી ગયા હતા.
મિઠાઈના ડબ્બા પર રશ્મિકાની તસવીર અને મીડિયામાં જશ્ન
લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ રશ્મિકા અને વિજયની ટીમ દ્વારા વેન્યુની બહાર હાજર મીડિયાકર્મીઓ, પેલેસના સ્ટાફ અને ચાહકોને મિઠાઈ વહેંચવામાં આવી હતી. આ મિઠાઈના ડબ્બા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કારણ કે તેના પર અભિનેત્રી રશ્મિકા મંદાનાની સુંદર તસવીર છપાયેલી હતી. ટીમ દ્વારા આસપાસના ગરીબ બાળકોને પણ મિઠાઈ આપવામાં આવી હતી.
સખત સુરક્ષા અને ‘નો ફોન’ પોલિસી
લગ્નમાં ગોપનીયતા જાળવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મહેમાનોને કાર્યક્રમ દરમિયાન મોબાઈલ ફોન વાપરવાની મનાઈ હતી અને ફોનને કાળા કલરના પાઉચમાં સીલ કરી દેવામાં આવ્યા હતા. વેન્યુ પર ખાનગી બાઉન્સરોની સાથે પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. મહેમાનોની યાદીમાં ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, કલ્યાણી પ્રિયદર્શન, રાહુલ રવિન્દ્રન, ઈશા રેબ્બા અને આશિકા રંગનાથ જેવી ફિલ્મ જગતની હસ્તીઓ સામેલ હતી.
હલ્દી અને સંગીતની ઝલક
બુધવારે યોજાયેલી હલ્દી સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં પીળા અને નારંગી ગુંદાના ફૂલોથી સજાવેલું વેન્યુ જોવા મળે છે. વિજયે હલ્દીની તૈયારીઓની તસવીરો શેર કરી હતી જેમાં લાકડાના બે સ્ટૂલ અને ફૂલોના આકારના પ્લેકાર્ડ પર રશ્મિકાનું પેટ નેમ ‘રુશી’ અને ‘વિજય’ લખેલું હતું.
7 વર્ષનો પ્રેમ અને સોશિયલ મીડિયા ફોલોઅર્સ
‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરનાર આ કપલ વર્ષ 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. ઓક્ટોબર 2025 માં તેમણે ગુપચુપ રીતે સગાઈ પણ કરી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે, ઇન્સ્ટાગ્રામ પર વિજય દેવરકોન્ડાના 22.2 મિલિયન ફોલોઅર્સ હોવા છતાં તે રશ્મિકા સહિત કોઈને ફોલો કરતો નથી, જ્યારે રશ્મિકા 49.1 મિલિયન ફોલોઅર્સ સાથે વિજય અને તેના પરિવારને ફોલો કરે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ફેન્સ આ કપલને સતત અભિનંદન આપી રહ્યા છે અને તેમના સત્તાવાર લગ્નના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
