'Hera Pheri 3' પર ફરી સંકટના વાદળો: નિર્માતાઓ વચ્ચે શરૂ થઈ કાનૂની લડાઈ; IP રાઈટ્સના વિવાદમાં અટવાયું અક્ષય-સુનીલ-પરેશનું કમબેક

અત્યારે તો 'હેરા ફેરી 3' નું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી કોર્ટ આઈપી રાઈટ્સ અંગે કોઈ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવું મુશ્કેલ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 23 Mar 2026 12:03 PM (IST)Updated: Mon, 23 Mar 2026 12:07 PM (IST)
turmoil-among-makers-over-hera-pheri-3-will-the-trio-of-raju-baburao-and-ghanshyam-return-to-screen-after-20-years

Hera Pheri 3 News: જે ક્ષણની પ્રેક્ષકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, તે 'હેરા ફેરી ૩' (Hera Pheri 3) ના નિર્માણમાં એક નવો અને ગંભીર અવરોધ ઉભો થયો છે. નિર્માતા ફિરોઝ નડિયાદવાલા અને વિજય કુમાર વચ્ચે ફિલ્મના આઈપી રાઈટ્સ (Intellectual Property Rights) અંગે કાનૂની જંગ છેડાતા ફિલ્મનું શૂટિંગ અનિશ્ચિતકાળ માટે પાછું ઠેલાઈ શકે છે.

શું છે સમગ્ર વિવાદ?

વર્ષ 2000માં રિલીઝ થયેલી 'હેરા ફેરી' મૂળ મલયાલમ ફિલ્મ 'રામોજી રાવ સ્પીકિંગ'ની હિન્દી રિમેક હતી. નિર્માતા વિજય કુમારે તાજેતરમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમની પાસે 'રામોજી રાવ સ્પીકિંગ' અને 'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીના તમામ કાનૂની અધિકારો છે. વિજય કુમારના જણાવ્યા મુજબ, ફિરોઝ નડિયાદવાલાને માત્ર એક જ ફિલ્મ (પહેલી હેરા ફેરી) બનાવવાના અધિકારો આપવામાં આવ્યા હતા.

'ફિર હેરા ફેરી' અંગે પણ ઉઠ્યા સવાલ

વિજય કુમારે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ફિરોઝ નડિયાદવાલાએ વર્ષ 2006માં આવેલી 'ફિર હેરા ફેરી'નું નિર્માણ તેમની પરવાનગી વિના કર્યું હતું. તે સમયે તેમણે કોઈ કાનૂની કાર્યવાહી કરી નહોતી, પરંતુ હવે જ્યારે ત્રીજા ભાગની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તેમણે કોર્ટના દરવાજા ખખડાવવાનું નક્કી કર્યું છે. વિજય કુમારનું કહેવું છે કે તેમણે ફિરોઝને પત્ર લખીને જવાબ માંગ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા હવે કાનૂની માર્ગ અપનાવવો પડ્યો છે.

ચાહકોની આશા અને અપેક્ષા

થોડા સમય પહેલા જ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ વચ્ચેના મતભેદો દૂર થયા હોવાના સમાચાર આવ્યા હતા, જેનાથી ચાહકોમાં ભારે ઉત્સાહ હતો. જોકે, હવે પ્રોડક્શન લેવલ પર સર્જાયેલી આ કાનૂની લડાઈએ આ ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે. વિજય કુમારે એવું પણ ઉમેર્યું હતું કે જો આ વિવાદનો ઉકેલ આવે, તો તેઓ પોતે જ આ ત્રિપુટી સાથે ફિલ્મનું નિર્માણ કરવા તૈયાર છે.

શું થશે ફિલ્મનું ભવિષ્ય?

અત્યારે તો 'હેરા ફેરી 3' નું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી કોર્ટ આઈપી રાઈટ્સ અંગે કોઈ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવું મુશ્કેલ છે. આ વિવાદને કારણે ફિલ્મના ડાયરેક્ટર અને અન્ય ક્રૂ મેમ્બર્સ પણ દ્વિધામાં મુકાયા છે.