TMKOC 18 Years Complete: સોની સબ ચેનલ પર આવતી કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)એ 18 વર્ષ પૂરા કરી દીધા છે. 28 જુલાઈ,2008થી શરૂ થયેલા આ શૉ હવે 19માં વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે આ ઐતિહાસિક પળને યાદગાર બનાવવા માટે મેકર્સ અને તમામ સ્ટારકાસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સીરિયલમાં આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચંદવાડકરે પોતાના માથામાં પડેલી ટાલને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
હકીકતમાં આ સીરિયલમાં ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી અને ટ્યૂશન ટીચર એવા આત્મારામ તુકારામ ભિડેના માથા પર ટાલને લઈને ખૂબ જ મજાક ઉડાવવામાં આવે છે. ખુદ શૉમાં આત્મારામ ભિડેની પત્ની બનતી માધવી ભિડે પણ ઓછા વાળને લઈને તેમને ટોણા મારતી રહે છે.
જો કે આજે આત્મારામ ભિડે (મંદાર ચંદવાડકરે) પોતાના માથામાં પડેલી ટાલને લઈને જણાવ્યું કે, સૌથી પહેલા મારી એક મરાઠી સીરિયલ આવી હતી. જેથી મને લાગ્યું કે, બસ હવે આપણી કરિયર સેટ થઈ ગઈ. જો કે પરિવારની જવાબદારી ખાતર આખરે મારે દુબઈ જવું પડ્યું. 1997થી 2000 દરમિયાન હું દુબઈમાં રહેતો હતો.
જ્યારે હું દુબઈમાં નોકરી કરતો હતો, ત્યારે મેં ત્યાં 3 BHK એપાર્ટમેન્ટ લીધો હતો. આ સમયે હું દરરોજ સવાર-સાંજ ફૂવારા નીચે ન્હાતો હતો. જેના કારણે માત્ર 6 મહિનામાં જ મારા વાળ ખરવા લાગ્યા. આ સમયે મારી ઉંમર માંડ 23 વર્ષની આસપાસ હશે.
માત્ર 23 વર્ષની વયે તમારા માથામાં ટાલ પડી જાય અને તમે એક્ટિંગના ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતા હોવ, તો તમારી માનસિક અવસ્થા કેવી હોય? હું પણ ખૂબ જ નર્વસ થઈ ગયો હતો.
જો કે આ સમયે મારા રૂમ પાર્ટનરે મને સમજાવ્યું કે, કદાચ તારો આજ લુક તારી આગવી ઓળખ બની જાય. આખરે આસિત મોદીને મારો આ લુક પસંદ પડ્યો અને તેમણે મારા પર ભરોસો મૂકીને મને આત્મારામ ભિડેનું પાત્ર ભજવવા માટે સિલેક્ટ કર્યો. જે બદલ હું તેમનો ખૂબ જ આભારી છું. આજે આ શૉને 18 વર્ષ થઈ ચૂક્યા છે . આતો સફરની શરૂઆત છે, હજુ લાંબી મંજીલ કાપવાની છે.
