Spirit First Look: ભારતીય સિનેમાના 'બાહુબલી' એટલે કે સુપરસ્ટાર પ્રભાસની લોકપ્રિયતા અને ડિમાન્ડ દિન-પ્રતિદિન નવી ઊંચાઈઓ સર કરી રહી છે. હાલમાં પ્રભાસ પોતાની આગામી ફિલ્મ 'સ્પિરિટ' (Spirit) ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છે. નવા વર્ષના પ્રથમ દિવસે ફિલ્મમાંથી પ્રભાસનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ સાથે જ ફિલ્મમાં પ્રભાસની ફીને લઈને પણ ચર્ચા થઈ રહી છે. અહેવાલો મુજબ, પ્રભાસે આ ફિલ્મ માટે જે રકમ વસૂલી છે તે જાણીને તમે ચોંકી જશો.
પ્રભાસની ફી 160 કરોડ રૂપિયા
ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ, પ્રભાસે 'સ્પિરિટ' ફિલ્મ માટે 160 કરોડ રૂપિયાની તોતિંગ ફી ચાર્જ કરી છે. આ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી વધુ ફી હોવાનું માનવામાં આવે છે. સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મને મોટા પાયે બનાવી રહ્યા છે અને ફિલ્મનું કુલ બજેટ 300 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આનો અર્થ એ થયો કે ફિલ્મના કુલ બજેટનો મોટો હિસ્સો મુખ્ય અભિનેતાની ફી પાછળ ખર્ચવામાં આવ્યો છે.
'બાહુબલી' થી 'સ્પિરિટ' સુધીની સફર
પ્રભાસના સ્ટારડમમાં થયેલો વધારો તેના ફીના આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાય છે. ભારતીય સિનેમામાં ઐતિહાસિક સફળતા મેળવનાર ફિલ્મ 'બાહુબલી 2' માટે પ્રભાસે માત્ર 25 કરોડ રૂપિયા ફી લીધી હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતા વધતા, તેણે 'આદિપુરુષ', 'સલાર', 'કલ્કી 2898 AD' અને 'ધ રાજા સાબ' જેવી ફિલ્મો માટે 100 થી 150 કરોડ રૂપિયાની વચ્ચે ફી લીધી હતી. હવે 'સ્પિરિટ' માટે 160 કરોડ રૂપિયા લઈને તેણે પોતાની જ ફીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
નવા વર્ષે મેકર્સની ભેટ: ઇન્ટેન્સ અને ડાર્ક પોસ્ટર
ફિલ્મ 'એનિમલ' દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા હવે 'સ્પિરિટ' દ્વારા ફરી એકવાર સનસનાટી મચાવવા તૈયાર છે. મેકર્સે 1 જાન્યુઆરીની મધ્યરાત્રિએ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, 'ચાલો નવા વર્ષનું સ્વાગત એક પાવર-પેક્ડ ફર્સ્ટ પોસ્ટર સાથે કરીએ.'
પ્રભાસ અને તૃપ્તિનો લુક વાયરલ
પ્રભાસ અને તૃપ્તિ ડિમરીનો લૂક હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. રિલીઝ થયેલા પોસ્ટરમાં પ્રભાસનો અંદાજ અત્યંત ખૂંખાર અને રહસ્યમય નજરે પડે છે, જે દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે.
પોસ્ટરમાં પ્રભાસ શર્ટલેસ જોવા મળી રહ્યો છે અને તેની પીઠ તરફનો (બેક લૂક) ભાગ સ્પષ્ટ દેખાય છે. તેના શરીર પર અનેક જગ્યાએ ઘાના નિશાન નજરે પડે છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં ભરપૂર એક્શન જોવા મળશે. એક હાથમાં દારૂ, મોઢામાં સિગારેટ અને લાંબા વાળ સાથેનો આ લૂક પ્રભાસ પર ખૂબ જ સૂટ થઈ રહ્યો છે.
બીજી તરફ, અભિનેત્રી તૃપ્તિ ડિમરી સાડીમાં જોવા મળી રહી છે અને તે પ્રભાસની સિગારેટ સળગાવતી દેખાઈ રહી છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી પોસ્ટરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી રિલીઝ ડેટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
