Spirit First Look: સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ 'સ્પિરિટ'નો પહેલો લુક સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મની ટીમે નવા વર્ષની મધરાતે આ પોસ્ટર શેર કરીને ચાહકોને એક ખાસ ભેટ આપી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર પ્રભાસ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મેકર્સે પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે ચાલો નવા વર્ષનું સ્વાગત જોશથી ભરેલા પહેલા પોસ્ટર સાથે કરીએ.
પ્રભાસનો ઘાયલ શર્ટલેસ લુક અને તૃપ્તિની કેમેસ્ટ્રી
રિલીઝ થયેલા પોસ્ટરમાં પ્રભાસનો એક તદ્દન અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં પ્રભાસ પાછળની બાજુથી દેખાઈ રહ્યો છે, તેના હાથમાં દારૂ, મોઢામાં સિગારેટ અને આખા શરીર પર ઈજાના નિશાન છે. શર્ટલેસ લુક અને લાંબા વાળમાં પ્રભાસ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. બીજી તરફ તૃપ્તિ ડિમરી સાડીમાં સજ્જ છે અને તે પ્રભાસ માટે સિગરેટ સળગાવતી જોવા મળે છે. આ બંનેની કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચાનો વિષય બની છે.
કેમ દીપિકા પાદુકોણ આ ફિલ્મમાંથી બહાર થઈ?
સૂત્રો મુજબ આ ફિલ્મ માટે તૃપ્તિ ડિમરી પહેલા દીપિકા પાદુકોણને કાસ્ટ કરવામાં આવી હતી. જોકે વધુ ફી અને દિવસમાં માત્ર 8 કલાકની શિફ્ટની માંગણીને કારણે તેણે આ ફિલ્મ ગુમાવવી પડી હતી. આ ઉપરાંત ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ઈશારામાં અભિનેત્રી પર સ્ક્રિપ્ટ લીક કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. દીપિકાની એક્ઝિટ બાદ તૃપ્તિની એન્ટ્રી થતા ચાહકો પ્રભાસ સાથે તેની જોડી જોવા આતુર હતા.
'એનિમલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા ફરી એકવાર ધમાલ મચાવવા તૈયાર છે. 'સ્પિરિટ'નું શૂટિંગ પહેલેથી જ શરૂ થઈ ગયું છે, જોકે તેની રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે અને પ્રભાસના ફેન્સ તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
