સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘દ વન’નું ટીઝર રિલીઝ, રહસ્યમય દુનિયાની પહેલી ઝલક આવી સામે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ દ વનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જાણો ફિલ્મની વાર્તા, સ્ટારકાસ્ટ, ખાસિયતો અને રિલીઝ ડેટ વિશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 26 Aug 2026 04:29 PM (IST)Updated: Wed, 26 Aug 2026 04:29 PM (IST)
siddharth-malhotra-tamannaah-bhatia-the-one-teaser-release-story-release-date

The One teaser release: સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની અપકમિંગ ફિલ્મ ‘દ વન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટીઝરમાં દર્શકોને રહસ્ય, રોમાંચ અને અલૌકિક શક્તિઓથી ભરેલી એક અનદેખી દુનિયાની ઝલક જોવા મળે છે. ખાસ વાત એ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા પહેલીવાર એકસાથે સ્ક્રીન પર જોવા મળશે.

‘દ વન’ના ટીઝરમાં શું જોવા મળ્યું?

‘દ વન’નું ટીઝર એક રહસ્યમય જંગલની આસપાસ ફરતું જોવા મળે છે. આ જંગલ સાથે જોડાયેલી એક પ્રાચીન માન્યતા છે કે સૂર્યાસ્ત પછી વનમાં પ્રવેશ કરવો વર્જિત છે. ટીઝરમાં આ રહસ્ય દર્શકોની ઉત્સુકતા વધારી દે છે. ફિલ્મમાં લોકકથા, ફૅન્ટસી અને અલૌકિક શક્તિઓનું અનોખું મિશ્રણ જોવા મળશે. શાનદાર વિઝ્યુઅલ્સ, રહસ્યમય વાતાવરણ અને દમદાર સાઉન્ડસ્કેપ ટીઝરને વધુ રોમાંચક બનાવે છે.

સિદ્ધાર્થ અને તમન્નાની જોડી

‘દ વન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા પહેલીવાર સાથે જોવા મળશે. ટીઝરમાં બંનેની સ્ક્રીન કેમેસ્ટ્રી પણ જોવા મળે છે. જોકે તેમના પાત્રો વચ્ચેનો સંબંધ અને જંગલની રહસ્યમય દુનિયામાં તેઓનો સામનો કોની સાથે થશે, તે અંગે ફિલ્મમાં અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે.

લોકકથા અને ફૅન્ટસીનો અનોખો સંગમ

ફિલ્મ ભારતીય લોકકથાને આધુનિક અને ભવ્ય સિનેમેટિક અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કરે છે. તેમાં રહસ્ય અને રોમાંચની સાથે હાસ્ય, ભારતીય સંસ્કૃતિ અને ભક્તિની ઝલક પણ જોવા મળશે. ફિલ્મને સંપૂર્ણ પારિવારિક મનોરંજન તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મની દુનિયાને વધુ વિસ્તૃત કરવા માટે ‘ધ લિજેન્ડ ઑફ વન’ નામની કોમિક બુક પણ રજૂ કરવામાં આવી છે.

કોણે બનાવી છે ‘દ વન’

‘દ વન’ને બાલાજી મોશન પિક્ચર્સ, ટીવીએફ અને 11.11 પ્રોડક્શન સાથે મળીને રજૂ કરી છે. ફિલ્મની વાર્તા અરુણાભ કુમારે લખી છે અને દિગ્દર્શન દીપક મિશ્રાએ કર્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ શોભા કપૂર, એકતા આર કપૂર, અરુણાભ કુમાર અને નીરજ કોઠારીએ કર્યું છે, જ્યારે મનુ આનંદ ફિલ્મના ડીઓપી અને વિઝ્યુઅલ ડિરેક્ટર છે.

ક્યારે રિલીઝ થશે ‘દ વન’

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ‘દ વન’ 25 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટીઝર જોયા બાદ હવે દર્શકો ફિલ્મની સંપૂર્ણ વાર્તા અને આ રહસ્યમય વનની દુનિયા જોવા માટે ઉત્સુક છે.