Shree Kesari Nandan Movie: ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક નવું અને સુવર્ણ પ્રકરણ આલેખાવા જઈ રહ્યું છે. અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માતા અતુલ એમ. બોસામિયા દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ 'પાન-ઈન્ડિયા' ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર થઈ રહેલો આ વિશાળ બજેટ પ્રોજેક્ટ માત્ર ગુજરાતી જ નહીં, પરંતુ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એમ કુલ 7 ભારતીય ભાષાઓમાં રજૂ થશે.
દક્ષિણ અને ગુજરાતના ટેલેન્ટનો અનોખો સંગમ
સિનેમેટિક કૌશલ્યના આ અનોખા સંગમ સમી ફિલ્મનું લેખન અને નિર્દેશન એવોર્ડ વિજેતા તમિલ ફિલ્મમેકર શબરીનાથન મુથુપાંડિયન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાણીતા કલાકારો અર્પિત રાંકા અને મૌલિક ચૌહાણ મુખ્ય ભૂમિકામાં પોતાની અદાકારીનો જાદુ વિખેરશે, જેમના સાથમાં દેશના પ્રતિભાશાળી કલાકારોની મોટી ફોજ જોડાશે.
ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરનું વિઝ્યુઅલ વિઝન આપવા માટે પ્રખ્યાત સિનેમેટોગ્રાફર સુભાષ દંડાપાણીએ કેમેરાની કમાન સંભાળી છે, જ્યારે કન્નડ ઈન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર અભિનંદન કશ્યપે ફિલ્મનું સંગીત તૈયાર કર્યું છે. આ મેગા બજેટ ફિલ્મમાં મહીપાલ સિંહ રાણાવત, રાજેશ ઠાકુર, હિરેન પટેલ અને પરેશ જગડા એસોસિએટ પ્રોડ્યુસર્સ તરીકે જોડાયેલા છે.
ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય સમન્વય
શ્રદ્ધા, ભક્તિ, વારસો અને પરિવર્તનના દિવ્ય વિષય પર આધારિત ‘શ્રી કેસરી નંદન’ એક પરંપરાગત કથાને આધુનિક ટેકનોલોજી અને દક્ષિણ ભારતીય શૈલીના ભવ્ય સિનેમેટિક સ્કેલ પર રજૂ કરશે. ગુજરાતી સાંસ્કૃતિક મૂલ્યોને સમગ્ર દેશના દર્શકો સુધી પહોંચાડવાનો આ એક સીમાચિહ્નરૂપ પ્રયાસ છે. આ ભવ્ય ફિલ્મ રામ નવમી 2027ના પવિત્ર અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
