King Movie New Poster: બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિંગ' (King) ને લઈને સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 27 ઓક્ટોબરના રોજ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર કિંગનું નવું ધમાકેદાર પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં શાહરૂખ ખાનના અંદાજમાં એક્શન અને રોમાન્સનો અનોખો સંગમ જોવા મળ્યો છે.
નવા પોસ્ટરમાં શાહરૂખનો રોબદાર લુક
'કિંગ' ફિલ્મના નવા પોસ્ટરમાં શાહરૂખ ખાન આગ અને ધુમાડાથી ભરેલા માહોલમાં ઊભેલા નજરે પડે છે. ટૂંકા વાળમાંસફેદ દાઢી-મૂછ અને ગંભીર ચહેરા સાથે તેમનો લુક ખૂબ જ રફ અને ખુંખાર દેખાય છે. તેમના જમણા હાથમાં બંદૂક છે અને હોઠ વચ્ચે લાલ ગુલાબ દબાયેલું છે. પોસ્ટર શેર કરતા શાહરૂખ ખાને ખાસ ડાયલોગ કેપ્શનમાં લખ્યો: "આજે ફરી યાદ આવ્યું... કાતિલ નહીં... આશિક છું..."
કિંગનું મલ્ટી-સ્ટારર કાસ્ટ અને નિર્દેશન
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'કિંગ' માં શાહરૂખ ખાન સાથે પુત્રી સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલિવૂડના અનેક મોટા કલાકારોની ફોજ જોવા મળશે, જેમાં દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જેકી શ્રોફ, અરશદ વારસી, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ સામેલ છે. ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને માર્ફલિક્સ પિક્ચર્સના બેનર હેઠળ ગૌરી ખાન, સિદ્ધાર્થ આનંદ અને મમતા આનંદ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ક્રિસમસ પર રિલીઝ થશે ફિલ્મ 'કિંગ'
'કિંગ' ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ ક્રિસમસ તહેવાર પર વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સમયે બોક્સ ઓફિસ પર હોલિવૂડની મોટી ફિલ્મો જેવી કે 'એવેન્જર્સ: ડૂમ્સ ડે', 'ડ્યૂન: પાર્ટ 3' અને 'જુમાનજી' પણ રિલીઝ થવાની શક્યતા છે, જેના કારણે સિનેમાઘરોમાં મોટો મુકાબલો જોવા મળશે.
