મુંબઈ.
બૉલિવૂડના 'દબંગ' અભિનેતા સલમાન ખાન પોતાની ફિલ્મો કરતાં વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. સલમાન ખાનની જેમ તેના પરિવારના સભ્યો પણ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. એવામાં દિલ્હીની એક કોર્ટે સલમાન ખાનના જીજા અને અભિનેતા અયુષ શર્મા, નિર્માતા કેકે રાધામોહન અને સાઉથ એક્ટર જગપતિ બાબૂને તેમને આગામી ફિલ્મ 'રુસલાન' વિરુદ્ધ અરજી પર સુનાવણી બાદ નોટિસ ફટકારી છે.
પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ જજ સત્યવ્રત પાંડાએ અરજી પર સુનાવણી હાથ ધરીને તમામ પક્ષકારોને નોટિસ ઈસ્યૂ કરીને એક સપ્તાહની અંદર પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે આ મામલે આગામી સુનાવણી 9 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
હકીકતમાં સોશિયલ એક્ટિવિસ્ટ જગદીશ શર્મા અને અભિનેતા રાજવીર શર્માએ પોતાના વકીલ રૂદ્ર વિક્રમસિંહ મારફતે રાધામોહન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ "રુસલાન"ની રિલીઝ રોકવા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આયુષ શર્મા અભિનિત 'રુસલાન' ફિલ્મ જગદીશ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી 2009ની ઑરિજિનલ ફિલ્મ 'રુસલાન'ની નકલ છે, જેમાં રાજવીરસિંહ મુખ્ય ભૂમિકામાં હતો.
વધુમાં અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રતિવાદીઓએ મૂળ 'રુસલાન' ફિલ્મના ડાયલોગ્સ અને કહાનીની બેઠી નકલ કરી હતી. તેલુગુ સુપરસ્ટાર જગપતિ બાબુ અને સુશ્રી મિશ્રા અભિનીત આયુશ શર્માની આગામી ફિલ્મ 'રુસલાન'નું ટ્રેલર 21 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું હતુ અને ટૂંક સમયમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, નોટિસ મળ્યાના 7 દિવસની અંદર તેમના તરફથી કોઈ પગલા નહીં લેવામાં આવે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.