Battle Of Galwan Controversy: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને સોશિયલ મીડિયા પર ભારતીય પ્રેક્ષકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. જોકે પડોશી દેશ ચીન આ ટીઝર જોઈને ભડકી ગયું છે અને ત્યાંના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ ફિલ્મમાં તથ્યો રજૂ કરવામાં આવ્યા નથી.
ભારતીય ફિલ્મો વાસ્તવિકતાને બદલી શકતી નથી
ચીની મીડિયા અને ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ ત્યાંના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય ફિલ્મો વાસ્તવિક ઈતિહાસને બદલી શકતી નથી. તેમનું માનવું છે કે કોઈપણ ફિલ્મી ડ્રામા ચીનના પ્રદેશની રક્ષા કરવાના તેમના સૈન્યના ઈરાદાને નબળો પાડી શકે નહીં. આ ઉપરાંત ચીની સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ટીઝરને વાસ્તવિકતાથી વિપરીત ગણાવ્યું છે.
ગલવાન ખીણ અને LAC વિવાદ
ચીનના વિદેશ મંત્રાલયનો દાવો છે કે ગલવાન ખીણ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ના ચીની હિસ્સામાં આવે છે. ચીનનો આરોપ છે કે ભારતે તે વિસ્તારમાં રસ્તાઓ અને માળખાગત સુવિધાઓ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. ચીન મુજબ, 15 જૂન, 2020 ના રોજ ભારતીય સૈનિકોએ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું અને જ્યારે ચીની સૈનિકો વાતચીત કરવા ગયા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
જૂન 2020 માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. ઓસ્ટ્રેલિયન અખબાર 'ધ ક્લેક્શન'ના અહેવાલ મુજબ આ અથડામણમાં ચીનના અંદાજે 38 સૈનિકો માર્યા ગયા હતા, જોકે ચીને ક્યારેય સત્તાવાર રીતે આ આંકડો સ્વીકાર્યો નથી. આ ઘટના બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો અને પરિણામે ભારતે ઘણી ચીની કંપનીઓ અને એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો.
ક્યારે રિલીઝ થશે બેટલ ઓફ ગલવાન’
સલમાન ખાનની આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. અગાઉ આ ફિલ્મ 17 માર્ચ, 2026 ના રોજ ઈદના અવસરે રિલીઝ થવાની હતી, પરંતુ 'ટોક્સિક' અને 'ધુરંધર 2' જેવી ફિલ્મો સાથેના મોટા ક્લેશને ટાળવા માટે રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. હવે આ ફિલ્મ 17 એપ્રિલ, 2026 ના રોજ રિલીઝ થવાની શક્યતા છે.
