Saiyaara Box Office Collection: મોહિત સૂરી નિર્દેશિત મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ 'સૈયારા' બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત સાથે ચર્ચામાં છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ ડબલ ડિજિટમાં 20 કરોડ રૂપિયાની જંગી કમાણી કરીને ડેબ્યૂ ફિલ્મોનો અત્યાર સુધીનો ઓલટાઇમ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સફળતા સાથે, 2025 માં બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અહાન પાંડે (Ahaan Panday) અને મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મમાં જોવા મળેલી અનિત પદ્દા (Aneet Padda) એ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના આગમનની જોરદાર નોંધ લીધી છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો, ફિલ્મ 'સૈયારા'ના મુખ્ય કલાકારો અહાન પાંડે અને અનિત પદ્દા કોણ છે?
અહાન પાંડે કોણ છે?
ફિલ્મ 'સૈયારા'થી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અહાન પાંડે એક પ્રખ્યાત ફિલ્મ પરિવારનો સભ્ય છે. તે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેનો પુત્ર અને અલાના પાંડેનો નાનો ભાઈ છે. આ ઉપરાંત, તે અભિનેત્રી અનન્યા પાંડેનો પિતરાઈ ભાઈ પણ છે. અહાનની માતા ડીએન પાંડે એક પ્રખ્યાત આરોગ્ય નિષ્ણાત અને લેખક છે. અહાન પણ તેના કાકા અને બહેનના પગલે ચાલીને બોલિવૂડમાં કારકિર્દી બનાવવા નીકળી પડ્યો છે.
મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, અહાન પાંડેએ કલા, ફિલ્મ અને ટીવી પ્રોડક્શનમાં વિશેષતા મેળવી છે. તેની પહેલી જ ફિલ્મ 'સૈયારા' સુપર-ડુપર હિટ સાબિત થતાં, લોકોની તેની પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે.
અનિત પદ્દા કોણ છે?
'સૈયારા' ફિલ્મમાં જોવા મળેલી અનિત પદ્દાનો જન્મ ઓક્ટોબર 2002માં પંજાબના અમૃતસર શહેરમાં થયો હતો. બાળપણથી જ ફિલ્મ જગતમાં રસ ધરાવનારી અનિતએ પોતાના કોલેજ સમયગાળામાં મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. મોડેલિંગ સાથે સાથે તેણી અનેક જાહેરાતોમાં પણ જોવા મળી છે.
અનિત પદ્દાએ દિલ્હીની જીતસ એન્ડ મેરી કોલેજ (જિસસ એન્ડ મેરી કોલેજ), દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂરો કર્યા પછી, વર્ષ 2022માં તેણીને કાજોલ અભિનિત ફિલ્મ 'સલામ વેંકી'માં એક નાની ભૂમિકા દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી હતી. અનિત પદ્દા એમેઝોન પ્રાઇમ વીડિયોના શો 'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય' માં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે.
