Ramayana Part 2 Release Postponed: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અભિનીત અને નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત પૌરાણિક ફિલ્મ 'રામાયણ'ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય સિનેમાના ઈતિહાસના સૌથી ભવ્ય ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક ગણાતી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે. જેમાંથી પ્રથમ ભાગ 'રામાયણ: ભાગ 1' પોતાના નિર્ધારિત સમયે જ આ વર્ષે દિવાળી પર, 5 નવેમ્બર 2026ના રોજ મોટા પડદે રિલીઝ થશે. પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, નિર્માતાઓએ ફિલ્મના બીજા ભાગ 'રામાયણ: ભાગ 2'ની રિલીઝ ડેટ આગળ ધકેલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ફિલ્મ દિવાળી 2027ને બદલે દિવાળી 2028માં રિલીઝ થાય તેવી શક્યતા છે.
રિલીઝ પાછી ઠેલવાનું અસલ કારણ શું છે?
અંદાજે ₹4,000 કરોડના વિશાળ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ નિર્માતા નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારી માટે માત્ર એક સિનેમેટિક પ્રોજેક્ટ નથી, પરંતુ એક અત્યંત ભાવનાત્મક કૃતિ છે. 'બોલિવૂડ હંગામા'ના અહેવાલો અનુસાર, નિર્માતાઓ અને દિગ્દર્શક પ્રથમ ભાગના ટ્રેલર તથા તેને મળનારા દર્શકોના પ્રતિસાદના આધારે બીજા ભાગના પ્રોડક્શન શેડ્યૂલ પર વધુ વિગતવાર કામ કરવા માંગે છે.
બીજા ભાગમાં વાર્તા વધુ ભવ્ય અને યુદ્ધના દ્રશ્યોથી ભરપૂર હોવાથી તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX), પ્રોડક્શન ડિઝાઇન અને શૂટિંગ માટે વધુ સમયની જરૂરિયાત ઊભી થઈ છે. સ્ક્રીન પર ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય અને પ્રેક્ષકોને એક અનોખો તથા યાદગાર અનુભવ મળે તે માટે મેકર્સે નિર્માણ કાર્ય માટે પૂરો એક વર્ષનો વધારાનો સમય ફાળવવાનું નક્કી કર્યું છે.
રણબીર કપૂરના પાત્રને લઈને ઉત્સુકતા
જ્યાં એક તરફ લાખો ફેન્સ રણબીર કપૂરને ભગવાન શ્રી રામના પવિત્ર રૂપમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ સિનેપ્રેમીઓ વચ્ચે એ ચર્ચા પણ ચાલી રહી છે કે રણબીર આ પાત્ર સાથે કેટલો ન્યાય કરી શકશે. જોકે, મેકર્સને પૂરો વિશ્વાસ છે કે ફિલ્મનો પ્રથમ ભાગ થિયેટરોમાં ધૂમ મચાવશે. પ્રથમ ભાગ રિલીઝ થયા બાદ જ બીજા ભાગના શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ પૂર્ણ ઝડપથી આગળ વધારવામાં આવશે. જોકે, આ વિલંબ અંગે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સુત્રો આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે.
